બોગસ દિવ્યાંગ કાર્ડના આધારે એસ.ટી.માં મફત પ્રવાસ ?

ભુજ, તા. 14 : કચ્છમાં દિવ્યાંગોને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરવાની અપાયેલી છૂટછાટનો ક્યાંક ગેરઉપયોગ થતો હોવાની ફરિયાદ આવી છે. બોગસ વિકલાંગ પાસ કઢાવીને વિકલાંગતા ન હોય તેવી વ્યક્તિઓ પણ પ્રવાસ કરતી હોવાની બહાર આવેલી વિગતો સામે સમાજ સુરક્ષા અધિકારીએ તો વાત નકારી હતી. જો કે, એસ.ટી. તંત્ર પાસે કોઇ વિગતો ન હોવાનું જણાવાયું હતું. વિકલાંગ મુસાફરો એસ.ટી.માં કેટલા પ્રવાસ કરે છે એ જાણવા એસ.ટી. તંત્રના પરિવહન અધિકારીનો સંપર્ક સાધ્યો તો તેમની પાસે કોઇ માહિતી ન હતી. પરંતુ અમુક કન્ડકટરોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમે બસમાં ફરજ બજાવતા હોઇએ છીએ. આવી બોગસ પાસવાળી વ્યક્તિઓ પાસ બતાવીને પ્રવાસ કરે છે એવા કિસ્સા જોવા મળે છે. અમુક કન્ડક્ટરોએ આ બાબતે શંકા જતાં એ પાસધારકોના પાસની તસવીરો પણ પોતાના મોબાઇલમાં લીધી હતી, જેના નંબરો એકસરખા જોવા મળ્યા હતા. બોગસ પાસધારક નિયમિત પ્રવાસ કરીને નાના-મોટા વેપાર મફત મુસાફરીમાં કરતા હોવાનું પણ બહાર આવ્યું હતું. જો કે, આ બાબતે હકીકતમાં તથ્ય શું છે એ જાણવા સમાજ સુરક્ષા અધિકારી એ.પી. રોહડિયાનો સંપર્ક સાધતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, ક્યાંય કોઇ બોગસ કાર્ડ નથી. આ તો આપણે દિવ્યાંગ પ્રત્યે સંવેદના હોવી જોઇએ, અમે તમામ સ્તરેથી તપાસ કરી લીધી છે. અમારી પાસે કચ્છમાં 9 હજાર દિવ્યાંગ કાર્ડ નોંધાયેલાં છે. પછી દિવ્યાંગોને મફત મુસાફરીના પાસ સમાજ સુરક્ષા વિભાગ નહીં પણ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ચેનલના આધારે અપાતા ટકાવારીના પ્રમાણપત્ર પછી જ કાર્ડ બને છે. કઇ કેટેગરીવાળાને મફત મુસાફરીનો લાભ મળે એ  બાબતે તેમણે ખુલાસો કરતાં કહ્યું કે, અસ્થિ ખોટવાળા 40 ટકા, મૂક-બધિર હોય એવા 71 ટકા ઉપર, દૃષ્ટિ વિષયક 80 ટકા, માનસિક બીમારીવાળા 50 ટકાવાળાને લાભ મળે છે. અમને પણ એસ.ટી. તંત્ર તરફથી પત્ર આવ્યો છે, જેના આધારે ખરાઇ કરવામાં આવી તો એક પણ બોગસ પાસનો કિસ્સો આવ્યો નથી. બે નંબરવાળાની વાત આવતા અમારી ટીમ એ દિવ્યાંગના ઘેર સુધી પહોંચી જતાં  દિવ્યાંગ પોતે સાચો હોવાનું પુરવાર કર્યું. ઊલટાનું પોતે દિવ્યાંગ છે તેની તંત્ર મજાક કરવા ઘર સુધી આવી ગયા છે એવી વાત કરતાં અમારી ટીમને પણ થોડો ખચકાટ થયો હતો. બીજું કે અમે એસ.ટી. પાસેથી વિગતો માગી તો એમની પાસે આવી કોઇ માહિતી નથી. બોગસ પાસ હોવાની વાત ઉપજાવી કાઢવામાં આવી છે તેવું તેમણે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer