વાગડના ખેડૂતોને વરસાદ થકી નુકસાનનું વળતર ચૂકવવા માંગ

રાપર, તા.14 : તાજેતરમાં વાગડ વિસ્તારમાં થયેલા કમોસમી વરસાદથી રાપર-ભચાઉ તાલુકાના ખેડૂતોના થયેલા વ્યાપક નુકસાનથી તેઓને પાક વીમાનું તથા નુકસાનનું વળતર ચૂકવવા રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૃષિમંત્રી તથા જિલ્લાના વહીવટી તંત્રને પત્ર લખી રજૂઆત કરી છે. શ્રીમતી આરેઠિયાએ તેમના પત્રમાં એવી પણ રજૂઆત કરી છે કે, કમોસમી વરસાદથી ખેડૂતોની થયેલી કફોડી હાલતમાં રાહત આપવા જે ખેડૂતોએ પાક વીમો લીધો છે તેમને તાત્કાલિક વીમા કંપનીઓ વળતર ચૂકવે તથા જે ખેડૂતો હજુ વીમો ઉતરાવી નથી શક્યા તેમને પણ ખાસ કિસ્સા તરીકે નુકસાનનું વળતર ચૂકવવા માટે સરકાર દરમ્યાનગીરી કરે. કારણ કે, આ વિસ્તારના ખેડૂતો અશિક્ષિત છે એથી સરકારની પાક વીમા યોજનાની જાહેરાત સમજી શક્યા નથી અને તહેવારોની રજાના કારણે 7-12 તથા 8-અ જેવા મહત્ત્વના દસ્તાવેજો મેળવી શક્યા નથી. આથી સરકાર આ ખેડૂતો પ્રત્યે રહેમ નજર રાખી સત્વરે વળતર ચૂકવવા જરૂરી આદેશો કરે એ જરૂરી છે, એવી પણ એમણે ભારપૂર્વક રજૂઆત કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer