ભુજના જનસેવા કેન્દ્રમાં ટોકનપ્રથા લાગુ થશે

ભુજ, તા. 14 : અહીંની મામલતદાર કચેરીમાં કાર્યરત જનસેવા કેન્દ્ર હરહંમેશ કોઈને કોઈ બાબતે વિવાદ અને ચર્ચાના કેન્દ્રમાં રહેતું હોય છ. કલેક્ટર કચેરીથી જનસેવા કેન્દ્ર મામલતદાર કેચેરીમાં ખસેડાયું છતાં તેની સમસ્યાઓમાં જરાય પણ ઓટ આવી નથી. ત્યારે રહી રહીને હરકતમાં આવેલા પ્રશાસને હવે અરજદારોની સુવિધા માટે ટોકનપ્રથા લાગુ કરવાની કવાયત હાથ ધરી છે. આ કેન્દ્ર જ્યારે કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં કાર્યરત હતું ત્યારે અવારનવાર સર્વર ડાઉન થવા,રાશનકાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો ક ઁઅન્ય આધાર પુરાવા લેવા માટે આવતા અરજદારોને એક કરતાં વધુ વાર ધક્કા ખાવા પડતા હતા.આ સ્થળાંતરિત થયા પછી અરજદારોને સતાવતી  સમસ્યા હળવી થવાનો આશાવાદ ઠગારો નિવડયો છે. નવી મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્ર ધમધમતું થયું તો પણ જૂની સમસ્યાઓ યથાવત્ રહી છે.ખાસ કરીને એજન્ટોનો અડીંગો નવા સ્થળે પણ જસનો તસ રહ્યો છે.  વળી એજન્ટો નાયબ મામલતદારો વતી પણ `ઉઘરાણા'નું કામ સંભાળતા હોવાનું કચેરીમાં આંટો મારનારને પણ ખ્યાલ આવી જાય. આ તમામ બાબતે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. જો કે  આ તમામ રજૂઆતોની કોઈ ખાસ અસર આજ દિવસ સુધી જોવા મળી નથી. જો કે આ બાબતે હવે પ્રશાસન હરકતમાં આવ્યું છે. દેર આયે દુરસ્ત આયેની જેમ જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારોની સુગમતા અને સરળતા માટે ટોકનપ્રથા લાગુ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. આ માટેની જરૂરી પ્રક્રિયાઓને આગળ ધપાવાઈ રહી છે.  આ બાબતે મામલતદાર કલ્પેશ કોરડિયાને પૂછતાં તેમણે એવું કહ્યું કે હાલ આધારકાર્ડ કઢાવવા માટેની કામગીરીમાં ટોકનપ્રથા અમલી છ જ. હવે જનસેવા કેન્દ્રમાં ટોકનપ્રથા લાગુ કરવા માટે અને સક્રિયતાથી અમલ કરવા માટે વિચારી રહ્યા છીએ.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer