ગોરેવાલીના રિસોર્ટને તંત્રે કર્યું સીલ

ભુજ, તા. 14 : તાલુકાના ગોરેવાલી ગામના ખાનગી સંસ્થા સંચાલિત રિસોર્ટને મામલતદારે સીલ મારી દીધું છે. કબ્જા સોંપણીમાં વિલંબ કરવાના કારણે સીલ મારવાની આ કામગીરી કરવામાં આવી હોવાનું સત્તાવાર રીતે અપાયેલી માહિતીમાં જણાવાયું છે. ભુજના મામલતદાર કલ્પેશ કોરડિયાએ વિગતો આપતાં કહ્યું કે, તાલુકાના ગોરેવાલી ખાતે અમીર હમઝા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રિસોર્ટ બનાવાયું હતું, થોડા મહિના પૂર્વે આ રિસોર્ટનું સંચાલન ગોરેવાલી ગ્રામ પંચાયતને સોંપવાનો નિર્ણય લેવાયો હતો. જો કે, લાંબો સમય વીતી ચૂકયો હોવા છતાં રિસોર્ટનો કબ્જો આ ટ્રસ્ટે પંચાયતને સુપ્રત ન કરતાં અંતે આખોય મામલો કલેક્ટર પાસે પહોંચી ગયો હતો. મામલતદારે જણાવ્યું કે, કલેક્ટરે તેમને લેખિત પત્ર પાઠવી ખાનગી ટ્રસ્ટ પાસેથી પંચાયતને રિસોર્ટનો કબ્જો સોંપવાની કામગીરીમાં ઝડપ આણવા માટે મોનિટરિંગની કામગીરી સોંપી હતી. જેના ભાગરૂપે તેઆ તેમના સ્ટાફ સાથે બુધવારે ગોરેવાલીના આ રિસોર્ટ ખાતે ગયા હતા. કબ્જા સોંપણીનાં કાર્યની વહીવટી પ્રક્રિયા માટે આ રિસોર્ટના અગાઉના  સંચાલકને રૂબરૂમાં હાજર રહેવા આગોતરી જાણ કરવામાં આવી હોવા છતાં તેમના કોઈ પ્રતિનિધિ હાજર રહ્યા નહોતા. જેથી જિલ્લા સ્તરે મળેલી સૂચના અને માર્ગદર્શન અનુસાર રિસોર્ટને  સીલ મારવાની આ કામગીરી કરવામાં આવી હતી.કબ્જા સોંપણીનું કાર્ય આટોપી લેવાયા બાદ તરત જ આ સીલને ખોલી નાખવામાં આવશે, તેવું મામલતદારે માહિતી આપતાં ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer