નાના રેહાના યુવાન ઉપર કુહાડીથી હુમલો કરી લાખની રોકડ ઝૂંટવાઇ

ભુજ, તા. 14 : તાલુકામાં નાના રેહા ગામે ગામના દિલીપાસિંહ હુકમાજી સોઢા (ઉ.વ. 30) ઉપર કુહાડી વડે ઘાતક હુમલો કરી રૂા. એક લાખની રોકડ રકમ નશાયુકત હાલતમાં બતાવાયેલા શખ્સો ઝૂંટવી ગયા હોવાનો મામલો બહાર આવ્યો છે. નાના રેહા ગામે દાદાની તળાવડી પાસે ક્રિકેટના મેદાનમાં ગતરાત્રે આ કિસ્સો બન્યો હતો. જેમાં માથાના ભાગે કુહાડીનો ઘા વાગવાથી ઇજા પામેલા દિલીપાસિંહ સોઢાને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ભોગ બનનારા દિલીપાસિંહના ભાઇ નારૂભા હુકમાજી સોઢા (રે. ભુજ)એ બનાવ બાબતે પોલીસ સમક્ષ લખાવેલી પ્રાથમિક કેફિયતમાં હુમલા સાથે રૂા. એક લાખની રોકડ રકમ ઝૂંટવી જનારા તરીકે ભચુભા ખેતુભા જાડેજા, ધમભા ખેતુભા જાડેજા, મહેશ રાણાજી, પ્રતાપાસિંહ ભચાજી જાડેજા, ગુલાબાસિંહ ખેંગારજી, પ્રતાપાસિંહ ખેંગારજી, જામભા સુરુભા જાડેજા અને સુરુભા જાડેજા વગેરેના નામ લખાવ્યા હતા. અલબત્ત આજે સાંજ સુધીમાં હજુ વિધિવત રીતે લૂંટનો કે અન્ય કોઇ ગુનો દાખલ કરાયો ન હતો. નારૂભાએ લખાવ્યા મુજબ તેમના નાના ભાઇ દિલીપાસિંહના આગામી ટૂંક સમયમાં લગ્ન હોવાથી તેઓ ભુજથી રૂા. એક લાખ રોકડા લઇને વતન નાના રેહા પહોંચ્યા હતા. આ સમયે નશાયુકત હાલતમાં આવેલા આઠેય શખ્સે રૂપિયા છીનવવા માટેની કોશિશ કરી હતી. નારૂભાએ આ રકમ તેમના ભાઇ દિલીપાસિંહને આપી દેતાં આરોપીઓ તેના ઉપર કુહાડીનો ઘા કરી રકમ ઝૂંટવી ગયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer