મુંદરા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના મુદ્દે કોંગ્રેસ પક્ષ નારાજ

મુંદરા, તા.14 : તાલુકામાં મધ્યાહન ભોજન યોજનમાં ચાલી રહેલી અનિયમિતતા, ગેરરીતિ અને ખામીઓને દૂર કરવા માટે વિસ્તૃત છણાવટ કરતું ચાર પાનાનું આવેદનપત્ર જિલ્લા કલેકટરને મામલતદાર મારફતે તાલુકા કોંગ્રેસે આપ્યું છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજા સહિતના આગેવાનોએ આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા નિશાળમાં અપાતા મધ્યાહન ભોજનની ગુણવત્તા, ભોજન બનાવવાની જગ્યાની સ્વચ્છતા, કાચી સામગ્રી, સહિતના મુદ્દે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ મધ્યાહન ભોજન યોજના આપવાનું થાય છે પરંતુ મુંદરા તાલુકામાં આવા નિયમો અને માર્ગદર્શિકાનું પાલન  થતું નથી. અનાજના પુરવઠાની ગુણવત્તા અત્યંત નિમ્નસ્તરની છે. જેમાં પોષણ જેવું કાંઈ છે જ નહીં. અનાજના પુરવઠાના સપ્લાયમાં ગોટાળા થતા હોવાની પૂરતી શક્યતા હોવાનું પત્રમાં જણાવવામાં આવ્યું છે. શાળામાં રસોડાની વ્યવસ્થા હોવા છતાં રસોઈ શાળામાં બનાવવામાં આવતી નથી. નિયત મેનુનું પાલન થતું નથી. એક જ સંચાલક અલગ અલગ નામે કેન્દ્ર ચલાવે છે. બાળકોના આરોગ્ય સાથે લાપરવાહી દર્શાવવામાં આવે છે. પત્રમાં સરકારની માર્ગદર્શિકા અને વાસ્તિવક સ્થિતિની તપાસ કરવામાં આવે. જેથી યોજનાનો મૂળભૂત હેતુ પૂર્ણ થઈ શકે.આવેદનપત્ર આપનારા કોંગ્રેસના આગેવાનોમાં પ્રમુખ શ્રી જાડેજા ઉપરાંત જત હાજી સલીમ, કિશોરભાઈ પિંગોલ, ભરતભાઈ પાતારિયા, મુકેશભાઈ ગોર,  મીઠુભાઈ મહેશ્વરી, નવીન ફફલ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer