ચાતુર્માસની ધર્મમૂડીમાંથી મુક્તિ મંજિલનું લક્ષ્ય હાંસલ કરજો
ભુજ, તા. 14: અહીં છ કોટિ જૈન સંઘના જૈન ભુવન ખાતે ચાતુર્માસ ગાળતા લીંબડી અજરામર સંપ્રદાયના મહાતસતીજી તેજસકુમારીજી-હંસશ્રીજી - પરમેશ્વરીજીની નિશ્રામાં ચાતુર્માસ પૂર્ણાહુતિનો કાર્યક્રમ ભાવિકોની બહોળી હાજરીમાં સંપન્ન થયો હતો. મહાસતીજી તેજસકુમારીજીએ આશીર્વચનો પાઠવતાં જણાવ્યું હતું કે, જૈન ભવન સંઘ ધર્મ?પ્રત્યેની જાગરુકતાવાળો સંઘ છે. જિનવાણી તથા સંસ્કાર શિબિરના માધ્યમોથી ધર્મના આચરણને આત્મસાત કરી શ્રાવકપણાના પાલન સાથે માનવધર્મ પાળી રહ્યો છે. જે તેની મોટી ઉપલબ્ધિ છે. સાધ્વી હંસશ્રીજીએ સંઘની અણગાર ભક્તિ તથા આરાધના શક્તિને બિરદાવતાં ચાતુર્માસમાં એકત્રિત ધર્મમૂડીથી મુક્તિ મંજિલનું લક્ષ્ય હાંસલ કરવા આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કરતા સમિતિના જગદીશભાઈ મહેતાએ ચાતુર્માસ દરમ્યાન હાથ ધરાયેલા તપ-ત્યાગ-જ્ઞાન-સંસ્કારના જૈનાચાર્ય અજરામરજી સ્વામી તથા કંકુ માતાના દીક્ષા મહોત્સવ સહિતના 46 જેટલા પ્રકલ્પોની માહિતી આપી હતી. 1500થી વધુ દર્શનાર્થીઓની સાધર્મિક ભક્તિ તથા 50થી વધુ સાધુ-સાધ્વીજીઓની સામૂહિક ક્ષમાપના કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. અભિવાદન કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકલ્પો માટે આર્થિક સહયોગ આપનારા પરિવારો નાનુબેન રતિલાલ શેઠ, રમીલાબેન ધીરજલાલ શાહ, લતાબેન પ્રફુલ્લભાઈ દોશી, વિશ્વાબેન લક્ષ્મીકાંત શાહ, ડો. રૂપાલીબેન શશિકાંત મોરબિયા, હીરાબેન શશિકાંત મહેતા તેમજ પ્રકાશિત થનારા પુસ્તકની ભાષાકીય તથા વ્યાકરણ શુદ્ધિ કરી તેને મઠારવાની સેવા બદલ નવીનભાઈ જોશી (કચ્છમિત્ર) સહિતના મહાનુભાવોનું બહુમાન જૈન ભવન સંચાલન સમિતિના જિજ્ઞેશ શાહ, પ્રફુલ્લ દોશી, શીતલ શાહ, નરેશ મહેતા, વનેચંદ મહેતા, વસંત ખંડોલ, જયેશ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું.