કોળી સમાજના સમૂહલગ્નો સાદગીથી ઉજવવા હાકલ

રાપર, તા. 14 : વાગડમાં જે જ્ઞાતિની વસ્તીનું પ્રમાણ વિશેષ છે એવી કોળી જ્ઞાતિના યુવક મંડળ ગાંધીધામ દ્વારા રાપરમાં યોજાયેલા મિલન અંગે વાગડના જ્ઞાતિના આગેવાન પાંચાભાઈ પરસોંડે વિગતો આપતાં કહ્યું કે રાપર, અંજાર, આદિપુર, ગાંધીધામથી કોળી આગેવાન ભાઈ-બહેનો તથા કર્મચારીઓ જોડાયા હતા. વિવિધ વક્તાઓએ સામાજિક સુધારણાઓ પર ભાર મૂકી શિક્ષણ અને ખાસ કન્યા કેળવણી અને નવી પેઢીમાં ભણતર, ગણતર અને ઘડતર પર ખાસ ભાર મૂક્યો હતો. શિક્ષિત માણસ બુરાઈઓથી વ્યસનોથી બચે છે. વાગડની સેવામૂર્તિઓને યાદ કરી તેમના  ચીંધેલા રાહે એને પાછળ રહી ગયેલા બંધુઓનો ઉત્કર્ષ?માટે સહિયારા પ્રયાસો કરવા જણાવાયું હતું. સમૂહલગ્નો પણ સાદગીપૂર્વક ઉજવવા અને જાહેર જીવનના વડીલો પણ પોતાના સંતાનોને સમૂહલગ્નમાં જ લગ્ન પ્રસંગ કરે તે પર ભાર મૂક્યો હતો.મંડળના પ્રમુખ રાઘુભાઈ ચાવડા-શાણપર અને મંડળના તમામ સભ્યોએ સેવાની જવાબદારી ઉપાડી હતી. શાબ્દિક સ્વાગત દશરથભાઈ મકવાણાએ કર્યું હતું. દીપપ્રાગટય અખિલ કચ્છ કોળી સમાજના પ્રમુખ કાનજીભાઈ ગોહિલ, રામજીભાઈ ચાવડા, નાનજીભાઈ ઠાકોર, ડાયાભાઈ ચાવડા, રાજારામભાઈ, ગોવિંદભાઈ, કાયદાવિદ બકુલભાઈ ઠાકોર, નામેરીભાઈ ચાવડા અને આગેવાનોએ કર્યું હતું. સામાજિક સંગઠનનું મહત્વ, સ્નેહમિલનના ફાયદાઓ, શિક્ષણ અને સામાજિક ઘડતર, સમૂહલગ્નનું મહત્વ વિશે સવિસ્તૃત માહિતી વિવિધ વિષય નિષ્ણાતોએ આપી હતી. પ્રેમજી મકવાણા, માવજીભાઈ મકવાણા, મનસુખ પરસોંડ, કરમશી સુરાણી, જગદીશ ઠાકોર, નાનજીભાઈ ભલાણી, કરશન મકવાણા વિગેરે વ્યવસ્થામાં જોડાયા હતા. સંચાલન શ્યામપ્રસાદ ચાવડા અને આભારવિધિ દશરથભાઈએ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer