6.50 લાખ બાળકના આરોગ્યની થશે તપાસ

6.50 લાખ બાળકના આરોગ્યની થશે તપાસ
ભુજ, તા. 8 : ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવવા સાથે તેઓમાં આરોગ્યપ્રદ ટેવોનું નિર્માણ કરવાના પ્રયાસરૂપે ચાલુ વર્ષે કચ્છમાં તા. 25/11/19થી તા. 30/01/20 સુધી `શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ' અમલમાં રહેનાર છે, જેમાં બાળકોની આરોગ્ય તપાસણીથી લઇને સુપર સ્પેશિયાલિસ્ટ સુધીની સારવારનો સમાવેશ થાય છે.આ કાર્યક્રમ દરમિયાન 4952 સંસ્થાઓના 6,49,014 જેટલાં બાળકોને આવરી લેવામાં આવશે, તેમ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગવર્નિંગ બોડી કમિટીની સમીક્ષા બેઠકમાં અપાયેલી વિગતોમાં જણાવાયું હતું. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મજાત ખાલી, ફાટેલા હોઠ/તાળવા, કલબફૂટ, જન્મજાત મોતિયો સારવાર-ઓપરેશન, હૃદય, કિડની, કેન્સર જેવા રોગો માટે સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર વિનામૂલ્યે અપાશે. કિડની, લિવર, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, કોકલીયર ઇમપ્લાન્ટ જેવી અત્યાધુનિક સારવાર પણ વિનામૂલ્યે અપાશે. શાળા આરોગ્ય કાર્યક્રમના થયેલા માઇક્રોપ્લાનિંગ અનુસાર 2378 આંગણવાડી/ બાલમંદિરના 1,97,287 બાળકો, 2088 પ્રાથમિક શાળાનાં 3,47,595 બાળકો, માધ્યમિક/ઉચ્ચ.માધ્યમિક 450 શાળાના 88,394 તથા અન્ય 36 શાળાના 7,712 સહિત શાળાએ ન જતાં 8,026 બાળકો મળીને કુલ 6,49,014 બાળકોની આરોગ્યની તપાસણી કરવામાં આવશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરની ઉપસ્થિતિમાં યોજાયેલી ગવર્નિંગ બોડી કમિટીની સમીક્ષા બેઠક અને નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ડિસ્ટ્રીકટ કો-ઓર્ડિનેશન કમિટી બેઠકમાં નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી, સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચ, જિલ્લા મેલેરિયા અધિકારી એ.એમ.ભટ્ટ, સાઈકિયાટ્રિક ડો. મહેશ ટીલવાણી, તાલુકા હેલ્થ ઓફિસરો, બાળ વિકાસ યોજના અધિકારી ઇરાબેન ચૌહાણ, એસ.પી.કચેરીના શ્રી ડાંગર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સગર્ભા બહેનો અને નવજાત શિશુની સારસંભાળ માટે આરોગ્યના સારાં પગલાં લેવા, હાઇ બી.પી. કે અન્ય કારણોથી મેટરનિટી ડેથ અટકાવવા, એનિમિયા મુકત ભારત કાર્યક્રમ અંતર્ગત 11મી નવેમ્બરે વર્કશોપ યોજવા, તમાકુ નિયંત્રણ ધારાની કડક અમલવારી અને ઝુંબેશ સહિતના મુદ્દાઓ આવરી લેવાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer