ઘડુલી નહીં લખપત-સાંતલપુર માર્ગેથી ધોળાવીરાનો પુન: ઉદય

ઘડુલી નહીં લખપત-સાંતલપુર માર્ગેથી ધોળાવીરાનો પુન: ઉદય
નવીન જોશી દ્વારા-
ત્રગડીબેટ (ધોળાવીરા, તા. ભચાઉ), તા. 8 : ભુજથી વાયા રાપર થઈને ધોળાવીરા જવામાં હાલ 242 કિ.મી.નું અંતર છે પણ જો ઘડુલી-સાંતલપુર માર્ગ માત્ર 15થી 20 કિ.મી. પણ બંધાઈ જાય તો ભુજથી ધોળાવીરા થઈ જાય માત્ર 120 કિ.મી. એટલું જ નહીં જો તમારે ભુજથી અમદાવાદ જવું હોય તો તમે ભીરંડિયારા-ખાવડા-કાઢવાંઢથી વાયા ધોળાવીરા-સાંતલપુર નીકળો તો તમારા 50 કિ.મી. બચે. આ એ જ ઘડુલી-સાંતલપુર માર્ગની વાત થાય છે જેને 2014માં વડાપ્રધાનપદે બેઠાના 17મા દિવસે નરેન્દ્ર મોદીએ પર્યાવરણ મંજૂરી અપાવી હતી અને આ એ જ ઘડુલી-સાંતલપુર માર્ગની વાત છે જે વારંવાર ગોકળગાયને પણ ઝડપી કહેવડાવે છે, જો નર્મદા ડેમની ઊંચાઈ 121 ફૂટથી 138 ફૂટ એ જ સમયગાળામાં લઈ જવાઈ તો નર્મદાની સાક્ષીએ વિશ્વવિક્રમ ઊંચાઈવાળું રાષ્ટ્રનું ગૌરવ ગણાય એવું સરદાર વલ્લભભાઈ પટેલનું `સ્ટેચ્યુ ઓફ યુનિટી' નિર્માણ પામી ગયું, તો આ ઘડુલી-સાંતલપુરનું કામ શા માટે અટક્યું છે ? જો કે કામ ક્યાંયે અટક્યું નથી અને 80 કિ.મી.નું કામ ડિસે. 20 સુધીમાં પૂરું કરી દેવાની નેશનલ હાઈવે ઓથોરિટીની તૈયારી છે અને કામ પણ શરૂ થઈ ગયું છે. દિલ્હીની ગાદી સંભાળતાં જે બે નિર્ણયો વડાપ્રધાન શ્રી મોદીએ લીધા તેમાં બીજા નંબરે આ ઘડુલી સાંતલપુર માર્ગ આવે છે. ધોળાવીરા જંક્શનથી કાઢવાંઢનો માર્ગ મોટું રણ ચીરીને સોંસરો જાય છે. સીધો 31 કિ.મી. ધોળાવીરાથી ત્રગડી બેટ 14 કિ.મી. માટીકામ દાયકાઓ પહેલાં થઈ ગયું છે. હવે ફક્ત ત્રગડી બેટથી કાઢવાંઢનું 31 પૈકી 14 કિ.મી.નું કામ થઈ જાય તો ધોળાવીરા સીધું જ કાળા-ધોળા ડુંગરની ગોદમાં અને ત્રગડીબેટ-ભાંજડાબેટ પાસેથી નીકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવી જાય. આ 14 કિ.મી.નું કામ ધોળાવીરાને સદીઓના વનવાસમાંથી બહાર લાવે અને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં ભેળવી શકે તેમ છે. વાગડની ધરતીએ આપેલા સાદને પગલે `કચ્છમિત્ર'ની ટીમ ધોળાવીરા પહોંચી ત્યારે ત્રણ તદ્ન નવાનક્કોર હિટાચી-જેસીબી સીધા આ તરફ આગળ વધી રહ્યા હતા. બી.એસ.એફ. ચોકીના અધિકારીની મંજૂરી લઈને એ રણમાં ક્ષિતિજે આગળ વધતી મશીનરીનો પીછો પકડીને રણમાં ઊતર્યા તો માહિતી મળી ત્રગડી બેટથી કાઢવાંઢનું કામ શરૂ થયું છે અને હાલ રણમાં પાણી ભરાયેલાં હોવા છતાં કામ ઝડપથી આગળ વધારીને પૂરું કરવાના આદેશ છે. ખડીરમાં લાપસીના આંધણ મુકાવે તેવા આ સમાચાર છે.આ ખુશખબરથી હરખાઈને નેશનલ હાઈવે ઓથોરિટીનો સંપર્ક સાધતાં ના. ઈજનેર મુરજાણીએ વિસ્તૃત વિગતો આપતાં કહ્યું હતું કે, ઘડુલી-સાંતલપુર બોલવાનું બંધ કરો અને હવે લખપત-ઘડુલી-સાંતલપુર બોલો. કારણ કે ઘડુલીથી લખપત 20 કિ.મી.નો માર્ગ પણ આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં આવરી લેવાયો છે. આ આખેઆખા પ્રોજેક્ટને અર્થાત રાષ્ટ્રીય ધોરીમાર્ગને નેશનલ હાઈવે `754 કે' નંબર અપાયા છે. કુલ 278 કિ.મી.નો આ માર્ગ માટીકામથી અંશત: તૈયાર છે. ફક્ત 80 કિ.મી.નું કામ છૂટકછૂટક બાકી છે અને તેના ટેન્ડર પણ ચાર તબક્કામાં મંજૂર થઈ ગયા છે. એટલું જ નહીં જુલાઈ 2019થી કામ ચાલુ થઈ ચૂક્યું છે અને 18 માસની અવધિમાં પૂર્ણ પણ કરી દેવાનું છે અર્થાત ડિસે. 2020માં આ માર્ગ પરથી સિમેન્ટના વાહનો પસાર થતા હશે. પશ્ચિમ કચ્છમાં ઝારાથી હાજીપીર 23 કિ.મી. નવું કામ શરૂ થઈ ગયું છે. ઘડુલી બાયપાસનું અઢી કિ.મી. કામ તુરંતમાં શરૂ થશે. કાઢવાંઢથી ધોળાવીરા 31 કિ.મી.નો રસ્તો છે જે પૈકી દુકાળ વર્ષમાં થોડું ઘણું માટીકામ થયું છે તેથી હવે એ જૂના કામને નીચે ઉતારી `જીઓગ્રીડ' ટેકનિકથી રબ્બર-ફાઈબર અને પ્લાસ્ટિકની મજબૂતાઈ આ રણના માર્ગને અપાઈ રહી છે. જેથી ક્ષાર-પાણી અને વજનદાર વાહનોથી માટીકામ ફાટી ન પડે. આ ઉપરાંત મૌઆણાથી વૌવા (પાટણ) 23 કિ.મી.નું કામ પણ શરૂ થઈ ગયું છે. નવા કુલ 80 કિ.મી. કામ માટ સરકાર 323 કરોડ ખર્ચી રહી છે. આખો માર્ગ લખપતથી સાંતલપુર કુલ 278 કિ.મી.નો થશે અને ખડીર-પચ્છમ-બન્નીથી માંડીને આખેઆખા પશ્ચિમ-ઉત્તર-પૂર્વ કચ્છના વિકાસના દ્વાર ખોલશે. ધોળાવીરાના બુઝુર્ગ અગ્રણી વેલુભા સોઢા કહે છે કે, આ એકમાત્ર માર્ગ થકી ધોળાવીરાના દિવસો પાછા આવશે... કચ્છનાસહકાર ક્ષેત્રના અગ્રણી એવા શ્રી સોઢાએ `કચ્છમિત્ર'ની પીઠ થાબડતાં યાદ પણ અપાવ્યું કે, આજથી પંદર-સતર વર્ષ પહેલાં આ રણ વીંધીને કાઢવાંઢથી તમે જ તો ખડીર આવ્યા હતા. સમય અને બળતણનો બચાવ થાય એટલું જ નહીં પણ ખડીર પોતાની ક્ષમતાઓ રાષ્ટ્રને દર્શાવી શકે તે માટે આ માર્ગ જરૂરી છે. (આ લખનારે દશ-બાર વર્ષ પૂર્વે દુકાળ વર્ષમાં કાઢવાંઢથી રતનપર (ખડીર)નો પ્રવાસ કર્યો ત્યારે ધોળાવીરા ગ્રામ પંચાયત વતી સત્કાર અને આવકાર માટે આ વેલુભા સોઢા જ ખડીરના ઉંબરે ઊભા હતા અને ચીલા, કેડી, ઘસ કે પાકા-કાચા રસ્તા વગરના રણમાં માત્ર ભાંજડાબેટના નિશાન પર આખો કપરો પ્રવાસ પૂર્ણ કરી ખડીર પહોંચવા પાછળનું `કચ્છમિત્ર'નું કચ્છહિત પારખ્યું હતું.) ઉલ્લેખનીય માહિતી એ મળી રહી છે કે એકલ-બાંભણકા માર્ગ માટેના રાજકીય પ્રયાસો પણ તેજ છે અને ઘડુલી-સાંતલપુરનું કામ પણ શરૂ થયું છે. તેથી ધોળાવીરા સાચા અર્થમાં ધોરીમાર્ગનું જંક્શન સાબિત થશે. હવે જુઓ ઈતિહાસ કેવી-કેવી કરવટ બદલે છે. પાંચ હજાર વર્ષ પહેલાં પણ ધોળાવીરા જળમાર્ગે જંક્શન હતું. હવે થલમાર્ગે જંક્શન બનવા જઈ રહ્યું છે અને ભવિષ્યમાં `વાયુમાર્ગે' પણ જંક્શન બને તેવી શક્યતા એટલા માટે છે કે ધોળાવીરા (ખડીર) ઉપરથી જ સાઉદી અરબ-અખાતના રાષ્ટ્રોનો ઈંગ્લેન્ડ, અમેરિકા, યુરોપ સાથેનો પાકિસ્તાન સાથેનો આંતરરાષ્ટ્રીય માર્ગ છે. વર્ષો પહેલાં એક રાતે ખડીરમાં રતનપર આશ્રમશાળાના આંગણે ખાટલા પર સૂતા-સૂતા અમાસની રાત્રે આકાશમાંથી પસાર થતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો જેટલાઈનર અંદાજે 40થી વધુ ગણ્યા હતા. કચ્છ અભયારણ્યના કારણે સુરખાબ, ઘુડખરના રક્ષણાર્થે અટકેલા અને હવે મંજૂરી મેળવી ચૂકેલા ઘડુલી-સાંતલપુર માર્ગે ઘડુલીથી હાજીપીર નથી અવાતું પણ હાજીપીરથી ધોરડો-ખાવડા થઈને કાઢવાંઢ અને આ 14 કિ.મી.નું ત્રગડીબેટવાળું કામ પૂર્ણ થશે એટલે સીધા ધોળાવીરા પહોંચી શકાશે. ધોળાવીરા રિસોર્ટના જે.વી. સોઢા કહે છે કે, જો ટૂરિસ્ટ સર્કિટ થાય તો પ્રવાસીઓ નારાયણ સરોવર, માતાના મઢ, હાજીપીરથી ધોરડો (બન્ની), કાળો ડુંગર થઈને ધોળાવીરા-સાંતલપુર આવી શકે. વળી ચોમાસામાં રણમાં પાણી હોય ત્યારે રણ સુકાઈને સફેદ ભાસે ત્યારે પ્રકૃતિના સ્વરૂપો નિહાળવાના શોખીનો માટે આ રૂટ એટલે જાણે `વેલી ઓફ ફ્લાવર્સ' ત્યાં રંગીન ફૂલોની ભરમાર છે તો અહીં કુદરત બેરંગી હોવા છતાં જાતજાતના રંગો સર્જે છે તે જોવા મળે છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer