શિક્ષાપત્રીના આદેશોનું પાલન કરવા હાકલ

શિક્ષાપત્રીના આદેશોનું પાલન કરવા હાકલ
ભુજ, તા. 8 : સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં બળદિયા ખાતે ચાલતા વિશ્વ મંગલ જીવનપ્રાણ અબજીબાપા શતામૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. કચ્છ ભૂમિમાં પ્રાગટય થયેલા એવા જીવનપ્રાણબાપા અબજીબાપાના પ્રાગટય દિન પ્રબોધિની એકાદશીના દિવસે ભક્તિભાવપૂર્વક પાલખીમાં શોભાયાત્રા, પૂજન, અર્ચન, સમૂહ આરતી, મહાનિરાજન વગેરે કાર્યક્રમો યોજાયા હતા. સ્વામિનારાયણ ગાદી સંસ્થાન માનવસેવા અભિયાન અંતર્ગત ગૌસંવર્ધન, ગાયોની ઓલાદના સંવર્ધન માટે, ગ્રામ્ય વિકાસ માટે, પાણી પુરવઠા માટે, મંદિરના જીર્ણોદ્ધાર માટે, આદિ વિવિધ ક્ષેત્ર માટે અનુમાનિત રૂપિયા 7 લાખનું દાન અપાયું હતું તથા જરૂરિયાતમંદોને 25 હાથલારી ફરતી દુકાન વિતરણ કરાઈ હતી. આખા બળદિયા ગામની સંપૂર્ણ સફાઈ કરવામાં સહેજે કચાશ રખાઈ નહોતી. બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો. માનવસેવા અભિયાનનો યજ્ઞ સમગ્ર ભારતમાં ચાલુ છે. મહોત્સવમાં અબજીબાપાના પુત્ર મનજીબાપાના પુત્ર લાલજીભાઈ તથા પરિવારના સભ્યોને સન્માનિત કરાયા હતા. આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદમાં હાકલ કરતાં જણાવ્યું હતું કે, માનવે વ્યસનને તિલાંજલિ આપવી જોઈએ, કેમ કે વ્યસન તે વિનાશ કરનારું છે. વિદેશમાં વસતા હોય અને કંઠી, તિલક કર્યા હોય પરંતુ જીવનમાં શિક્ષાપત્રી પ્રમાણેના આદેશનું પાલન કરવું અતિ આવશ્યક છે અને તેથી જીવનમાં ઉત્કર્ષ સાધી શકીશું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer