13 કરોડના ખર્ચે ચાર વર્ષ પૂર્વે પૂર્ણ થઇ ગયેલી જખૌ બંદર માટેની પાણી યોજના વસાહત માટે નિષ્ફળ

13 કરોડના ખર્ચે ચાર વર્ષ પૂર્વે પૂર્ણ થઇ ગયેલી જખૌ બંદર માટેની પાણી યોજના વસાહત માટે નિષ્ફળ
નલિયા, તા. 8 : જખૌ બંદરીય વિસ્તાર માટે રૂા. 13 કરોડના ખર્ચે નિર્માણ પામેલી પાણી યોજનાં છેલ્લા ચાર વર્ષથી પૂર્ણ થઇ ગઇ હોવા છતાં આ યોજના ચાલુ કરવામાં ન આવતાં દેશનાં પશ્ચિમ છેવાડાના મત્સ્ય બંદર જખૌ ખાતે સ્થાયી થયેલી માછીમારો સહિતની વસાહત પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલી છે. જખૌ બંદરના માછીમારો માટે પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ફીશરીઝ ખાતાએ પાણી પુરવઠા ખાતાને જરૂરી ગ્રાન્ટ ફાળવી હતી તે પછી આ યોજનાનું કામ શરૂ થયું વર્ષ 2015માં યોજનાનું કામ પૂર્ણ થયું મીઠી ડેમ આધારીત પાણી યોજનાની પાઇપ લાઇન હવે કાટ ખાઇ રહી છે. જખૌ બંદરે 12થી 15 હજારની વસ્તી છે. તેમના માટે સરકારી રાહે પીવાના પાણીની કોઇ વ્યવસ્થા નથી. માછીમાર વસાહતને પાણી મોંઘા ભાવે વેચાતું લેવું પડે છે. યોજનાનો પ્રત્યક્ષ કબજો પાણી પુરવઠા ખાતા પાસે છે પણ પાણી યોજનાં ચલાવવા સ્ટાફ નથી તેવું બહાનું બતાવી હાથ ઊંચા કરી દીધા છે. પરિણામે જખૌ બંદરની પીવાના પાણીની સ્થિતિ વિકટ બની છે. દર વર્ષે ઓગસ્ટ મહિનાથી માછીમારીની સિઝન શરૂ થાય છે હજારો માછીમારો પોતાના કુટુંબ કબીલા સાથે જખૌ બંદરે આજીવિકા માટે પડાવ નાખે છે પણ પાયાની સુવિધાના અભાવે પીવાના પાણીની અગવડ ભોગવી રહ્યા છે. આ અંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએઁ જખૌ બંદરની પાણી યોજનાંનો લાભ તાત્કાલિક માછીમાર વસાહતને મળતો થાય તેવી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. એક અલગ પત્રમાં જખૌ બંદર માછીમાર અને બોટ એસોસિયેશનના પ્રમુખ અબ્દુલાશા પીરજાદાએ પાણી યોજના ચલાવવા સક્ષમ તંત્ર આગળ ન આવતું હોય તો એસોસિયેશને સરકારી ધારા ધોરણ મુજબ યોજના ચલાવવા તત્પરતા બતાવી છે. જખૌ બંદરની પાણી યોજના હેઠળ 40 કી.મી.ની પાઇપ લાઇન, નવો ટાંકો અને પમ્પ રૂમ સહિતના કામોનો સમાવેશ થાય છે. યોજનાનું ટેસ્ટીંગ પણ થઈ ગયું છે  પણ લાંબા સમયથી યોજના ચાલુ ન થતાં યોજનાની પાઇપ લાઇન અને અન્ય બાંધકામો હવે નકામા બની રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer