સારા વરસાદથી માકપટમાં કોટીંબા પાક્યા

સારા વરસાદથી માકપટમાં કોટીંબા પાક્યા
મોટી વિરાણી, તા. 8 : ગત વરસના દુકાળ છતાં ધરતી માતાએ બે વરસ અગાઉનું સાચવી રાખેલા બીજ ચાલુ વરસના સારા વરસાદથી માકપટના સીમ-ખેતરોમાં ઠેર ઠેર કોટીંબાના ઉગી નીકળેલા છોડમાં ભરચક પ્રમાણમાં વનફળ પાકયા છે. લાલ, પીળા, કાળા ચિતરીવાળા, ટપકીવાળા સ્વાદમાં ખાટા મધુર સોડમવાળા કોટીંબાનું ગૃહિણીઓ શાક, અથાણુ, સૂકવણી, કાચલી વિગેરે બનાવે છે. આ વનફળનું મુંબઈગરા , દેશ-પરદેશ વસતા કચ્છીઓને પ્રિય છે. જેથી બહારગામ પણ નિકાસ થાય છે. આ ફળની રસપ્રદ બાબત એ છે કે દિવાળીના દીવા જોયા પછી કડવું જેવું ફળ કડવાશ મૂકી ખાવા લાયક બને છે. જ્યારે કોટીંબાના દાંડલા સહિતનું ઝુમખું બનાવી ગૃહિણીઓ પોતાના ઘરમાં ઊંચે બાંધી રાખે છે. હોળી સુધી સાચવી રાખવામાં શુકન માને છે. આ રીતે બાંધી રાખેલા કોટીંબાના ઝુમખામાં એક પણ ફળ પાંચ મહિના સુધી ખરાબ થતો નથી. વધુમાં સીમ ખેતરોમાંથી વીણીને લાવતા શ્રમજીવી વર્ગ માટે આર્થિક  મદદરૂપ બને છે. કોટીંબા કિ. 1ના રૂા. 10ના અંદાજે  વેચાય છે. હેવાલ-તસવીર : છગનભાઈ આઈયા

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer