અયોધ્યા ચુકાદા અન્વયે કચ્છમાં સઘન સુરક્ષા

ભુજ/ગાંધીધામ, તા. 8 : અયોધ્યા મામલે આવતીકાલે સવારે આવનારા દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદાને કેન્દ્રમાં રાખીને દેશ અને રાજ્યના અન્ય ભાગોની સાથે સરહદી કચ્છ જિલ્લામાં પણ એલર્ટ હેઠળ સુરક્ષા બાબતે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા દ્વારા આ અનુસંધાને વ્યાપક પગલાં અમલી બનાવી દેવાયાં છે. આવતીકાલે સવારથી જ પોલીસદળ હરકતમાં આવી જશે.અયોધ્યાના ચુકાદાનું નક્કી થયું તે પહેલાંના સમય દરમ્યાન જ જિલ્લામાં વિવિધ સ્થળે શાંતિ સમિતિની અને આગેવાનોની બેઠક યોજીને પોલીસ દ્વારા સમજ અપાઇ ચૂકી છે. તમામ પક્ષના આગેવાનો અને સભ્યો દ્વારા શાંતિ બરકરાર રાખવાની ખાતરી પણ અપાઇ છે. આ વચ્ચે આવતીકાલે હવે જ્યારે ચુકાદો આવી રહ્યો છે ત્યારે બન્ને પોલીસ જિલ્લામાં સુરક્ષા અને તકેદારીનાં વ્યાપક પગલાંને કાયદાના રક્ષકોએ આખરી ઓપ આપી દેવા સાથે તેની અમલવારી આરંભી દીધી છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ એમ બન્ને પોલીસ જિલ્લાનો ચાર્જ સંભાળી રહેલા પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા અધીક્ષક સૌરભ તોલંબિયાનો રાત્રે સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, એલર્ટ તળે બંદોબસ્ત અને પેટ્રોલિંગ સહિતના સુરક્ષાના વિવિધ સઘન પગલાં લેવામાં આવ્યાં છે. આવતીકાલે સવારથી જ પોલીસદળ હરકતમાં આવી જશે અને દિવસભર રાઉન્ડ ધી કલોક પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી અવિરત રહેશે. પોલીસ દ્વારા બન્ને પક્ષનાં આગેવાનો સાથે જીવંત સંપર્ક રખાયો છે. તમામ પક્ષોએ શાંતિ બરકરાર રાખવાની ખાતરી પણ આપી છે. ખાસ કરીને સોશિયલ મીડિયાના ચુકાદાને લઇને દુરુપયોગ ન થાય તે માટે બાજનજર રખાઇ છે. ચુકાદા અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર ખોટા કે વાંધાજનક મેસેજ કરનારા સામે કડક હાથે કાયદો કામ લેશે, તેવું કહેતાં શ્રી તોલંબિયાએ ઉમેર્યું હતું કે, સોશિયલ મીડિયા ઉપર સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા બરાબરની નજર મંડાયેલી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer