જે રોહિત શર્મા કરી શકે તે કોહલી પણ ન કરી શકે : સહેવાગ

નવી દિલ્હી, તા. 8 : બંગલાદેશ સામે રાજકોટમાં રમાયેલા બીજા ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની તાબડતોડ બેટિંગની મદદથી બંગલાદેશને આઠ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં રોહિતે શાનદાર બેટિંગ કરી હતી અને  43 બોલની ઈનિંગમાં 85 રન કર્યા હતા. રોહિત શર્માની આક્રમક બેટિંગની પૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સહેવાગ દ્વારા પણ ભરપુર પ્રશંસા કરવામાં આવી છે. સહેવાગે કહ્યું હતું કે, જે રોહિત કરી શકે છે તે વિરાટ કોહલી પણ કરી શકતો નથી. વિરેન્દ્ર સહેવાગ એક સ્પોર્ટસ વેબસાઈટ માટે ચેટ શો કરી રહ્યો હતો. જેમાં સહેવાગે રાજકોટની રોહિત શર્માની ઈનિંગની પ્રશંસા કરી હતી. સહેવાગે કહ્યું હતું કે, રોહિત ટીમ  ઈન્ડિયામાં જે કામ કરે છે તે એક સમયે સચિન તેંડુલકર કરતો હતો. રોહિત શર્મા નિડર થઈને રમે છે જે ટીમને મદદરૂપ બને છે. સહેવાગે ઉમેર્યું હતું કે, રોહિત શર્મા એક જ ઓવરમા ત્રણ છગ્ગા ફટકારવાની ક્ષમતા રાખે છે અને 40-50 બોલમા 100 કરવામાં પણ રોહિત શર્મા સક્ષમ છે. જો કે કોહલીને આવી રમત રમતો ક્યારેય જોયો નથી. આ જ કારણથી જે કામ રોહિત શર્મા કરે છે તે કોહલી પણ કરી શકતો નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer