ન્યૂઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડનો મહાવિજય

નેપિયર, તા.8 : સ્ટાર બેટ્સમેન ડેવિડ મલાન (103)ની તોફાની સદી અને કેપ્ટન ઈયોન મોર્ગન સાથેની રેકોર્ડ ભાગીદારીની મદદથી ઈંગ્લેન્ડે ચોથા ટી20 મેચમાં ન્યૂઝિલેન્ડને 76 રને હરાવ્યું હતું. મલાને 51 બોલમાં નોટઆઉટ 103 રન કર્યા હતા. જ્યારે મોર્ગને અંતિમ ઓવરમાં છગ્ગો મારવાના પ્રયાસમાં આઉટ થતા પહેલા 91 રન કર્યા હતા. મોર્ગન અને મલાને ત્રીજી વિકેટ માટે 182 રન જોડયા હતા. જે ટી20 આંતરરાષ્ટ્રીયમાં ત્રીજી વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી છે. ઈંગ્લેન્ડે નિયત 20 ઓવરમાં ત્રણ વિકેટે 241 રન કર્યા હતા. જે ટી20માં ઈંગ્લેન્ડનો સર્વોચ્ચ સ્કોર છે. ન્યૂઝિલેન્ડની ટીમે મોટા લક્ષ્યાંક સામે ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં વિકેટો ગુમાવી હતી અને ટીમ 16.5 ઓવરમાં 165 રનમાં ઓલઆઉટ થઈ હતી. આવી રીતે ઈંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 2-2થી બરાબરી કરી હતી. મલાને ટી20 આંતરરાષ્ટ્રીયની પહેલી સદી માટે 48 બોલ રમ્યા હતા અને એલેક્સ હેલ્સના 60 બોલના રેકોર્ડને સરળતાથી પાછળ છોડયો હતો. ઈંગ્લેન્ડે ટોસ હાર્યા બાદ જોની બેયરસ્ટો અને ટોમ બેન્ટનની વિકેટ ઝડપી ગુમાવી હતી. બીજી તરફ ન્યૂઝિલેન્ડે સ્કોરનો પીછો કરતા ઝડપી શરૂઆત કરી હતી અને પાંચમી ઓવર સુધીમાં 54 રન કર્યા હતા. જો કે ત્યારબાદ સતત વિકેટોનું પતન થયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer