કાલે માંડવી અને ગાંધીધામમાં ઈદે મિલાદુન્નબીએ ધર્મસભા

માંડવી, તા. 8 : ઈસ્લામ ધર્મના મહાન અને વિશ્વના દયારૂપ પયગંબર મોહમ્મદ મુસ્તફા સ.અ.વ.ની જન્મ જયંતી ઈદે મિલાદુન્નબી તા. 10ના રવિવારે કચ્છભરમાં કોમી એખલાસ, ભાઈચારા અને માનવતા સાથે ઊજવાશે. આ અંતર્ગત માંડવી અને ગાંધીધામ ખાતે ધર્મસભાનુંયે આયોજન કરાયું છે. આ અંતર્ગત જુલૂસો, ધાર્મિક અને સામાજિક સેવાકીય કાર્યો સાથે થનારી ઉજવણી દરમ્યાન નીકળનારા જુલૂસોમાં શરિયતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને નિયમોનો ભંગ ન થાય તેવી મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. ઈદે મિલાદુન્નબી નિમિત્તે ઓલ ઈન્ડિયા મિન્હાજ ઉલેમા કાઉન્સિલના ડાયરેક્ટર અને અલ-હિદાયા ઈન્ડિયાના સંસ્થાપક અલ્લામા અલ્હાજ મૌલાના સૈયદ હબીબ અહેમદ અલહુસૈની કચ્છની મુલાકાત લઈ માંડવી અને ગાંધીધામ ખાતે ધર્મસભા (મજલિસ)ને સંબોધશે. રવિવારે વહેલી સવારે મસ્જિદે ફિરદોશમાં પયગંબર સાહેબના બાલ મુબારકની જયારત કરી જુલૂસ નીકળશે. જે શહેરના મુખ્ય માર્ગોએ ફરી સોનાવાળા નાકા બહાર કામલશાપીરની દરગાહે જશ્નમાં ફેરવાઈ જશે. ત્યારબાદ ધર્મસભા યોજાશે. જ્યારે ગાંધીધામ ખાતે બાગે મદીના કમિટીના નેજા હેઠળ નૂરી મસ્જિદથી ઝોહર નમાજ બાદ બપોરે બે વાગ્યે જુલૂસ નીકળશે. જે મામલતદાર કચેરી પાછળ જશ્નમાં ફેરવાયા બાદ ધર્મસભા યોજાશે, તેવું સૈયદ કૌશર અલીશા હાજી મખ્દુમઅલી બાપુની યાદીમાં જણાવાયું છે. ગાંધીધામ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમાએ જુલૂસમાં શરિયત વિરુદ્ધના  કાર્યો બંધ કરી ડી.જે. ન વગાડવા પણ અપીલ કરી છે. રાપરમાંયે જુલૂસ નીકળશે રાપરમાં હુઝુર સલ્લાહો અલયવસ્લમના જન્મદિને સવારે 9 કલાકે જુલૂસ નીકળશે. સવારે 8થી 1 બહેનો માટે જિયારત બાદ બપોરે 1 વાગ્યાથી ભાઈઓ માટે દુબરિયાવાડી ખાતે જિયારત યોજાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer