તાલુકા કક્ષાએ કચેરીઓમાં સ્ટેશનરી ખરીદીમાં ગેરરીતિ

ભુજ /દયાપર (તા. લખપત), તા. 8 : દરેક તાલુકા મથકોએ સ્ટેશનરીની દુકાનો હોવા છતાં તાલુકા પંચાયત કચેરીઓને ભુજથી જ ખરીદી કરવાનો રખાતો આગ્રહ ઉપરાંત દયાપર માર્ગ મકાન વિભાગના ટેન્ડરનું કવર ખોલી નખાયાને અઢી મહિના થયા છતાં ઓછા ભાવ ભરનારાને કામ ન અપાતાં વેપારી વર્ગમાંથી વહીવટ સામે શંકાની સોય તકાઇ રહી છે. ખરીદીના નામે ગેરરીતિ તો નથી થતી ને તેની તટસ્થ તપાસ થવી જોઇએ તેવી માંગણી ઊઠી છે. દયાપર કે નલિયાની તાલુકા પંચાયતને 10 ફાઇલ લેવી હોય તો પણ તેઓ સ્થાનિકે લઇ શકે તેમ નથી. કારણ કે વડી કચેરીના જવાબદારોની એવી સ્પષ્ટ સૂચના છે કે ભુજની એક દુકાનમાંથી મંગાવો, 10 ફાઇલના રૂા. 100 થાય, પરંતુ આવે ભુજથી. જિલ્લા પંચાયત દ્વારા સ્ટેશનરી સપ્લાયનું ટેન્ડર બહાર પડાય છે. એક સપ્લાયરને આ ટેન્ડર મળે અને જરૂર પડે તો વધુ એક વર્ષ માટે મુદ્દત લંબાવવામાં પણ આવે છે. આવું વર્ષોથી ચાલી રહ્યું છે. સ્ટેશનરી સપ્લાયને દરેક તાલુકા મથકે તાલુકા પંચાયતમાં સ્ટેશનરી પૂરી પાડવી આ ટેન્ડર તેનું જ છે છતાં માર્ગ મકાન વિભાગ અને અન્ય સરકારી કચેરીઓમાં પણ આ જિલ્લા પંચાયતના માન્ય ભાવ (માન્ય સપ્લાયર)થી જ સ્ટેશનરી લેવાનો આગ્રહ અને સૂચના અપાય છે. દરેક તાલુકા મથકે બેથી પાંચ સ્ટેશનરી દુકાનો હોય છે. આ સુવિધા હોવા છતાં પણ ભુજથી જ સ્ટેશનરી લેવાનો આગ્રહ શા માટે ? તેવો સવાલ ઉઠાવાઇ રહ્યો છે. એકબાજુ કેન્દ્ર અને રાજ્ય સરકારે નાના ધંધાર્થીઓ માટે વિવિધ છૂટછાટો આપી છે, ટેક્સમાં પણ બદલાવ કર્યો છે ત્યારે જિલ્લા પંચાયત દ્વારા ગામડાઓમાં નાના ધંધાર્થીઓ પર મોટા સપ્લાયરને બેસાડી મોટાપાયે ગેરરીતિ આચરાતી હોવાની શંકા દુકાનદારોએ વ્યક્ત કરી છે.હાલમાં દયાપર માર્ગ મકાન વિભાગનું ઝેરોક્ષ કામનું ટેન્ડર બહાર પડાયું પરંતુ આ કચેરીને દયાપરમાં ઉધાર આપવા વેપારીઓ તૈયાર નથી. અગાઉના ઝેરોક્ષના બિલો પણ વેપારીઓને ચૂકવાયા નથી. આ ટેન્ડરમાં દયાપરમાંથી ત્રણ વેપારીઓએ ભાવ ભર્યા, ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ 23/8/19 હતી. ટેન્ડરના કવર ખોલી નખાયા. અઢી મહિનાથી જે લોએસ્ટ ભાવ ભર્યા છે તે પાર્ટીને ઓર્ડર નથી અપાતો. કચેરીના જવાબદારો એવો જવાબ આપી રહ્યા છે કે પાર્ટી રૂબરૂ આવીને તાલુકા પંચાયત દયાપરના જે ભાવ છે તે ભાવથી કામ કરી આપે...! જો તા.પં. કચેરીના ભાવ પ્રમાણે જ ભાવ માન્ય રખાતા હોય તો ટેન્ડર પ્રક્રિયા શા માટે કરવાની જરૂર પડી ? માર્ગ મકાન બાંધકામ કચેરીમાં એક જ કારકૂન છે, જે અઠવાડિયામાં એક જ દિવસ દયાપર આવે છે. તેથી મોટાભાગના બિલો અટાવાયા પડયા છે. શું બેથી પાંચ રૂપિયા સ્થાનિક વેપારી ન કમાઇ શકે ? બધું ભુજથી જ ખરીદી થાય તો 10 તાલુકાના મુખ્ય મથકોના વેપારીઓ ક્યાં જશે ? પાનધ્રો વીજ મથકની દરરોજ એક બસ `પરચેસ બસ' તરીકે ભુજ જાય છે પણ તાત્કાલિક સમયે થતી ખરીદી સ્થાનિકે કરાય છે પરંતુ તાલુકા પંચાયત કે માર્ગ મકાન વિભાગને સ્થાનિક ખરીદીના બદલે ભુજના `એક ચોક્કસ વેપારી' પાસેથી ખરીદી કરવાનો આગ્રહ શા માટે ? આ બાબતે યોગ્ય તપાસ થવી જોઇએ તેવી સંબંધિતોએ લાગણી વ્યક્ત કરી હતી. દયાપર તાલુકા પંચાયતમાં તો ઝેરોક્ષ મશીન પણ છે છતાં ઝેરોક્ષનું ટેન્ડર શા માટે તે પ્રશ્ન છે. તાલુકા પંચાયતો દ્વારા સ્ટેશનરી ખરીદી બાબતે જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી કે. પી. પટેલને પૂછતાં તેમણે જણાવ્યું કે, ટેન્ડર પ્રક્રિયા થઇ હોવાથી ભુજથી ખરીદી કરવી અથવા જે તે તાલુકામાં સ્વસહાય જૂથ-સખી મંડળને ડીઆરડીએ દ્વારા ફાઇલ અને પૂંઠા બનાવવા તાલીમ આપી છે ત્યાંથી ખરીદી શકે. દયાપર ઝેરોક્ષ પ્રકરણ અંગે જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેર જે. એમ. સોલંકીને પૂછતાં તેમણે એક જ તાલુકામાં એજન્સીઓને એક જ ભાવે કામ આપી શકાય. જો કે પોતે ગાંધીનગરથી કાલે આવીને તપાસ કરશે તેવું ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer