ભુજની બંધ પડેલી સિટી બસ સેવા હાલાકી ભોગવતા લોકો માટે પુન: શરૂ થાય તેવી વકી

ભુજ, તા. 8 : ભૂકંપ બાદ સતત વિસ્તરી રહેલા ભુજમાં છેલ્લા એક માસ કરતાં વધુ સમયથી શહેરી બસ સેવાનો સંકેલો વાળી દેવાતાં શહેરીજનો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને હાલાકી વેઠવા સાથે ફરજિયાત મોંઘાદાટ રિક્ષાભાડાં ખર્ચવાની નોબત આવી રહી છે, ત્યારે રાજ્ય સરકારે અમલી બનાવેલી એક યોજનામાંથી ભુજની સિટી બસ સેવા ફરી એકવાર શરૂ થાય તેવી ઊજળી શકયતા સર્જાઈ છે. રાજકોટ ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ભાગ લઈ આવેલા સુધરાઈ અધ્યક્ષા લતાબેન સોલંકીએ વધુ માહિતી આપતાં કહ્યું કે મુખ્યમંત્રી શહેરી  બસ સેવા યોજના અંતર્ગત ભુજમાં પણ પાલિકા સંચાલિત સિટી બસ સેવા કાર્યરત કરવા માટેની શકયતા ચકાસવાનું શરૂ કરવામાં આવ્યું છે. સૂચિત યોજના હેઠળ શહેરમાં સિટી બસ સેવા કઈ રીતે ચાલુ કરી શકાય તેનું આયોજન ઘડાઈ રહ્યું છે. તેનો ઝડપભેર અમલ થાય તેનો પ્રયાસ પણ કરાશે. સિટી બસ સેવાનું સંચાલન મિતરાજ લોજીસ્ટીક નામની ખાનગી સંસ્થાને સોંપાયું હતું. ખોટ સતત વધી રહ્યાની વાતને આગળ ધરી આ સંસ્થાએ આગોતરી જાણ કરી 1 ઓકટોબરથી સિટી બસનું સંચાલન બંધ કરી દીધું હતું. અનેક શહેરીજનો માટે લાભદાયી એવી આ ઉપયાગી સેવા બંધ કરી દેવાતાં સલામત અવરજવરનું એક અગત્યનું સાધન છીનવાઈ જતાં લોકોને છકડાની જોખમી સફર તેમજ મોંઘા રિક્ષાભાડાં નાછૂટકે ખર્ચવા પડી રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer