જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની નિમણૂક ક્યારે ?

ભુજ, તા. 8 : છેલ્લા એકાદ દાયકા કરતાંય વધુ સમયથી ખાલી પડેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની જગ્યા ભરવા લોકસભા ચૂંટણી પૂર્વે ચક્રો ગતિમાન થયા, નિમણૂકના આદેશો પણ છૂટયા અને અચાનક રૂકજાવનો આદેશ આવતાં ફરી આ જગ્યા ખાલી જ રહી છે, ત્યારે આ મહત્ત્વના પદમાં થતો વિલંબ હોમગાર્ડ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.  સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લાની મોટા ભાગની કચેરીઓમાં મહત્ત્વના પદોની જવાબદારી ઈન્ચાર્જોના હવાલે છે, ત્યારે જિલ્લા કમાન્ડન્ટના અભાવે હોમગાર્ડના જવાનોની સ્થિતિ પણ છેલ્લા એકાદ દાયકા કરતાંય વધુ સમયથી સેનાપતિ વિનાના લશ્કર જેવી હોઈ સરહદી જિલ્લામાં સુરક્ષા સાથે ચેડાં સમાન બની રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો હોઈ સુરક્ષાની દૃષ્ટિએ પણ અતિ મહત્ત્વનો છે, ત્યારે અન્ય સુરક્ષા એજન્સીઓની સાથે સાથે હોમગાર્ડની જવાબદારી પણ મહત્ત્વની બની રહી છે, ત્યારે આ જિલ્લામાં મહત્ત્વની જગ્યા ખાલી રહે તે સુરક્ષાની દૃષ્ટિએ પણ ગંભીર બાબત ગણી શકાય તેવો સૂર ઊઠી રહ્યો છે.  જિલ્લા કમાન્ડન્ટની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાના કારણે જવાનોના વિવિધ પ્રશ્નો અંગે કોની પાસે રજૂઆત કરવી તેવી સમસ્યા સતાવી રહી છે. આ કચેરીમાં હેડ ક્લાર્કની જગ્યા પણ ઈન્ચાર્જના હવાલે છે, તો ઘણી વખત જવાનોને સમયના કલાકો કરતાં વધુ ડયૂટી કરવા છતાં ભથ્થાં પણ ચૂકવાતા ન હોવાનો આક્ષેપ પણ સૂત્રો કરી રહ્યા છે. તેમ આ દળમાં ખાસ કરીને ભુજ વિસ્તારમાં જવાનોની ખાલી પડેલી જગ્યા  ભરવામાં આવતી નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer