સામખિયાળીમાં પાણીના તળ એટલા ઊંચા આવ્યા કે મકાનો પણ બાંધી શકાતા નથી !

ભચાઉ, તા. 8 : ભારે વરસાદમાં ડૂબમાં ગયેલા સામખિયાળી તળાવમાં હવે પાણીના સ્તર ઊંચા આવવાના કારણે ઠેકઠેકાણે ખાબોચિયાં ભરાયેલાં રહે છે તો અનેક મકાનોમાં રહેલા પાણીના જર્જરિત ટાંકાઓ પણ વગર નળ ચાલુ કર્યે ભરાઈ જાય છે. ગામનું મુખ્ય સામતસર તળાવ પણ તેના કારણે હર્યું ભર્યું રહે છે. કાયમી આવથી આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહે છે. પાણી ભરાવથી ડેંગ્યુ જેવી અનેક બીમારીમાં વધારો થયો છે. ગામના ધનસુખભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ ગંભીર બીમારી તો છોડો હાલ સ્થાનિક સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર જેવી સુવિધા પણ દર્દીઓને સાધન સામગ્રી અને તબીબોની અછતને કારણે નસીબ થતી નથી.  અલબત્ત, ગામના વેપારી પ્રમુખ મોમાયાભાઈ બાળાએ કહ્યું હતું કે, પાણીના સ્તર ઊંચા આવવાના કારણે ગામતળમાં કોઈ બાંધકામ કરવું મુશ્કેલ બન્યું છે. બેથી ત્રણ ફૂટ ખાડો ખોદતાં જ પાણી નીકળી આવે છે તો અનેક જગ્યાએ પાણી `સની' રહ્યું છે. જેના પગલે ઠેર-ઠેર પાણીનાં પડાવથી ડેંગ્યુ જેવી બીમારી વધી ગઈ છે જેના અટકાવ માટે હજુ સુધી આરોગ્યતંત્ર દ્વારા કોઈ જ ટીમ દ્વારા પગલાં લેવાયાં નથી. વાસ્તે સમયસર યોગ્ય કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઊઠી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer