મોખાણા-મોડસરમાં ગૌચર સહિતનું દબાણ ખાલી કરાવો

મોખાણા(તા.ભુજ), તા. 8 : મોખાણા અને મોડસરની સરકારી જમીન તેમજ ગૌચર પર થયેલા દબાણને દૂર કરવા ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ ધા નાખી હતી. બંને ગ્રામજનોએ કલેક્ટર અને પોલીસના આઈ.જી.ને પાઠવેલા એક આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, મોખાણા-મોડસરની સીમમાં સરકારી પડતર જમીનો ઉપર અમુક ખનિજ માફિયાઓ ગેરકાયદેસર દબાણ કરી મોટા પ્રમાણમાં ખનિજચોરી કરી રહ્યા છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેના કારણે ગ્રામજનો ખેતીની જમીનના આવ-જાવના જૂના ગાડામાર્ગો બંધ થઈ ગયા છે અને તેઓને રજૂઆત કરતાં ઊલટાની દાદાગીરી કરી રહ્યા છે, જેના કારણે ગામમાં ગમે ત્યારે મોટા પાયે ખનિજચોરો સામે તકરાર ઊભી થાય અને શાંતિ જોખમાય તેમ હોવાની પણ ભીતિ વ્યક્ત કરી હતી. સરકારી પડતર જમીનો પર કરવામાં આવેલા જમીન દબાણ દૂર કરવા માગણી છે, જેમાં જૂના માર્ગોને, તળાવો, લીલી ઝાડીઓ, નદી-નાળાંને પણ ખોદી નાખવામાં આવ્યા છે, જેથી પશુપાલકો માટે મોટા પ્રમાણમાં તકલીફ ઊભી થયેલી છે એમ જણાવી મોખાણા-મોડસરમાં મોટા પ્રમાણમાં ગૌચર જમીનો આવેલી છે, જેથી ગૌચર જમીન ઉપર ખનિજ માફિયાઓનું દબાણ તાત્કાલિક દૂર કરાવી ગૌચર જમીન ચરિયાણ માટે મુક્ત કરાવી આપવા પણ પત્રમાં અનુરોધ કરાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer