સ્ટેમ્પ પેપર અને ટિકિટો ન મળવા થકી અબડાસાના અરજદારો હેરાન

નલિયા, તા. 8 : અબડાસાના આ મુખ્ય મથક ખાતે નોટિરિયલ સ્ટેમ્પ અને કોર્ટ ફીની ટિકિટો મેળવવા ભારે અગવડ પડતી હોઈ સ્થાનિકે આવી વ્યવસ્થા ગોઠવવા ધારાશાત્રીએ માગણી કરી છે.વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા સિનિયર ધારાશાત્રી લાલજીભાઈ એલ. કટુઆએ મહેસૂલ સચિવને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, નલિયા ખાતે આવેલી મામલતદાર કચેરીમાં આવેલા ઈ.એલ.પી.એલ., ઈ-સ્ટેમ્પિંગ સેન્ટરમાંથી માત્ર નોનજ્યુડિશિયલ સ્ટેમ્પ મળે છે. જ્યુડિશિયલ સ્ટેમ્પ મળતી નથી. એટલું જ નહીં, પેટાતિજોરી કચેરીનું મકાન તૈયાર થઈ ગયું છે. તેમ છતાં આ કચેરી હજુ સુધી ચાલુ થઈ નથી. નોટિરિયલ સ્ટેમ્પ માટે 80 કિ.મી. દૂર માંડવી ખાતે ચાર્જ સોંપાયો છે. નલિયા ખાતે એક સ્ટેમ્પ વેન્ડર છે, પણ તે એવા લોકોને સ્ટેમ્પ ઈશ્યૂ કરી આપે છે જે કોઈ તેમની પાસે કામ કરાવે છે. બાકીનાને કોર્ટ ફી સ્ટેમ્પ આપતા નથી.આવી પરિસ્થિતિ ઊભી થતાં પક્ષકારોને અને વકીલોને દાવો દાખલ કરવો હોય તો 80થી 100 કિ.મી. દૂર માંડવી અથવા ભુજ જઈ કોર્ટ ફી?સ્ટેમ્પ પેપર ખરીદવા પડે છે. આ અંગે અબડાસા બાર એસોસિયેશન-નલિયા દ્વારા જિલ્લા કલેક્ટર અને નાયબ કલેક્ટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં આ પ્રશ્ને હજુ સુધી કોઈ નીવેડો આવ્યો નથી. વકીલો અને નોટરીઓ પણ જ્યુડિશિયલ સ્ટેમ્પ તેમજ નોટિરિયલ સ્ટેમ્પ મેળવવા મુશ્કેલી અનુભવતા હોઈ સ્થાનિકે આવી વ્યવસ્થા ગોઠવવા શ્રી કટુઆએ માગણી કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer