ખનિજચોરી સામે કડક થવા પોલીસ તંત્રને રેન્જકક્ષાએથી જ અપાયા છે કડક આદેશ

ગાંધીધામ, તા. 8 : કચ્છમાં ખનિજચોરીના કારોબારને બ્રેક મારવા માટે રેન્જકક્ષાએ પોલીસ કર્મચારીઓને  કડક સૂચના અપાઈ છે. પોલીસ તંત્રે ખનિજચોરો સામે તવાઈ બોલાવી છે. આ વચ્ચે પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગ  દ્વારા   સમયાંતરે કાર્યવાહી કરાતી હોવાના   દાવા સાથે  ગત માસથી અત્યાર સુધી રૂા. 19,92,610 રકમની દંડની વસૂલાત કરી હોવાની વિગતો  પ્રાપ્ત થઈ હતી . પૂર્વ કચ્છના વાગડમાં બેફામ ખનિજચોરી થતી  હોવાની અનેક ફરીયાદો ઊઠી છે.પોલીસ ચોપડે  પણ આ અંગેના  અનેક ગુના  ચોપડે નોંધાયા છે. તેમ છતાં  બદી ઉપર લગામ  ન  આવતી  હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. પોલીસ વિભાગને  જમીનમાંથી થતા ખનન તથા રોયલ્ટી વિના વહન  થતા વાહનો  સામે ધોંસ બોલવવા સૂચના અપાઈ છે. જેની સામે પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગ પણ આ બદી સામે લડત લડવા માટે   તૈયાર  હોવાનો દાવો અધિકારીઓએ  કર્યો હતો. ખાણ ખનિજ વિભાગના અધિકારી શ્રી ઓઝાનો  સંપર્ક  કરતાં તેમણે જણાવ્યું હતું કે  ખનિજચોરી અટકાવવા  સામાન્ય રીતે કાર્યવાહી કરાતી જ હોય છે. ડ્રોન કેમરા સર્વેક્ષણ  સંદર્ભે તેમને પૂછતાં કહ્યું હતું કે, જે સ્થળેથી વધુ પ્રમાણમાં ફરિયાદ આવતી હોય ત્યાં આ કેમરાની   મદદ લેવાય છે. પોલીસની કાર્યવાહીમાં  તેમના  વિભાગ  દ્વારા મદદ કરવામાં આવશે તેવું  તેમણે ઉમેર્યું હતું. ઓકટોબર મહિનામાં  3 ખનનના અને 10 વહન (વાહન મારફતે ખનિજચોરી)ના કેસોમાં  રૂા. 16 લાખ તથા  ચાલુ મહિને   રૂા. 3,92,610ની રકમની વસૂલાત થઈ છે. તેમજ  અન્ય કેસોમાં દંડની રકમ ભરાવવા માટે નોટિસ જારી કરાઈ છે. ગઈકાલે રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે  ઢબડા ગામમાં સીઝ કરેલા ચાઈના કલે માટે  હરાજી કરાઈ હતી. જેમાં પણ 10 લાખની આવક  થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. વર્તમાન સમયમાં  ચેકપોસ્ટ પાસે 24 કલાક એક ટીમ   તપાસ માટે કાર્યરત હોવાનું પણ જાણકારોએ  જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer