ભુજમાં નિર્માણ પામનારા વિશાળ ઇસ્કોન મંદિરનું રવિવારે ભૂમિપૂજન

ભુજ, તા. 7 : વૈશ્વિક સ્તરે કૃષ્ણભક્તિનો સંકીર્તન અને સંગીત દ્વારા પ્રચાર અને પ્રસાર કરનારી પ્રસિદ્ધ ધર્મ સંસ્થા ઇસ્કોન દ્વારા કચ્છમાં પણ કૃષ્ણભક્તિને વેગ મળે તે હેતુસર જિલ્લાના પાટનગર ભુજમાં ઇસ્કોન મંદિર નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે આગામી તા. 10/11ના રવિવારે સવારે 8 વાગ્યાથી ભૂમિપૂજનનો કાર્યક્રમ 172/73, રતિયા સીમ, દ્વારકા ગ્રીન રેસિડેન્સીની બાજુમાં, સેવન સ્કાય હોટલ પાછળ, એરપોર્ટ રિંગ રોડ ખાતે યોજાયો છે. ઇસ્કોન જી.બી.સી.ના ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ તેમજ ઇસ્કોન ગુજરાતના પ્રેસિડેન્ટ જશોમતિનંદન પ્રભુ વિશેષ ઉપસ્થિત રહી ભૂમિપૂજનનું મંગલ કાર્ય સંપન્ન કરશે. સવારે 8થી 10 હવન અને ભૂમિપૂજન, 10થી 12 સંકીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમ, 11થી 12.30 આશીર્વચન તેમજ ત્યારબાદ મહાપ્રસાદ યોજાશે. અતિથિવિશેષ તરીકે ઇસ્કોનના વિવિધ ક્ષેત્રના ધાર્મિક વડાઓ તેમજ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, નગરાધ્યક્ષા લતાબેન સોલંકી સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મંદિર સંકુલના ભૂમિદાતા તરીકે ગોવિંદભાઇ માવજીભાઇ ગોરસિયા તથા ગોપાલભાઇ માવજીભાઇ ગોરસિયા રહેશે. કૃષ્ણપ્રેમી ભક્તો બહોળી સંખ્યામાં ધાર્મિક પ્રસંગમાં હાજર રહેશે એવું અહીંના સ્થાનિક ઉપાધ્યક્ષ હિતેશ વ્યાસની યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer