ધોળાવીરાને `વર્લ્ડ હેરિટેજ સાઇટ''નો દરજ્જો હાથવહેંતમાં

ધોળાવીરાને `વર્લ્ડ હેરિટેજ સાઇટ''નો દરજ્જો હાથવહેંતમાં
નવીન જોશી દ્વારા-
ધોળાવીરા (તા. ભચાઉ), તા. 7 : ધુંધણીમલ જોગીના શ્રાપથી `દટ્ટણ સો પટ્ટણ માયા સો મિટ્ટી' થયેલા ધોળાવીરામાં આજે પણ કોઇ જૂની પેઢીનાને પૂછો તો ધુંધણીમલ જોગી અને તેમના શિષ્યની સમાધિ બતાવશે, વાર્તા કે લોકવાયકા જે કહો તે પણ કહેવાય છે કે આ જોગી ધુંધણીમલ જ નાથ સંપ્રદાયના સિદ્ધયોગી દાદા ધોરમનાથ કે જેમના નામ પરથી ધીણોધર ડુંગર છે અને આ એ જ જોગી કે જેના શ્રાપના કારણે નનામો ડુંગર નામ વગરનો `નનામો' છે, આપણે એ પુરાતત્વીય નગરથી વાકેફ થઇ રહ્યા છીએ જેનો અતીત 5 હજાર વર્ષ સાથે સંકળાયેલો છે અને એ જ વાતને લઇને આ સ્થળને `વર્લ્ડ હેરિટેજ સાઇટ'માં સમાવવાની દરખાસ્ત થઇ છે એ દરમ્યાન હવે ગમે ત્યારે મંજૂર થાય તેવી સંભાવના પણ પ્રબળ છે. `કચ્છમિત્ર'ની ટીમે આ `વર્લ્ડ હેરિટેજ સાઇટ'નો દરજ્જો મળ્યા બાદ ધોળાવીરામાં શો બદલાવ આવશે તે જાણવા પુરાતત્વ વિભાગના ધોળાવીરા સ્થિત મ્યુઝિયમનો સંપર્ક સાધ્યો તો સચોટ માહિતી ન મળી પણ ગામનાં વિકાસ માટે સંકલ્પબદ્ધ સરપંચ જીલુભા વેલુભા સોઢાએ આ દિશામાં પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, સૌ પ્રથમ તો ધોળાવીરામાં આંતર રાષ્ટ્રીયસ્તરનું એક પુરાતત્વને સાંકળતું વિશાળ મ્યુઝિયમ બનશે એ માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ભારત સરકાર અને ગુજરાત સરકારમાં દરખાસ્ત કરતા અને તત્કાલીન કલેકટર રેમ્યા મોહને તે મંજૂર કરી છે તથા વર્તમાન સમાહર્તા એમ. નાગરાજને તાજેતરમાં જ એ દશ એકર મ્યુઝિયમ માટેની જમીનની સનદ-કબજો પણ પુરાતત્વ ખાતાને સોંપી દીધો  છે. ધોળાવીરા ગામની ઉત્તરે અને હડપ્પનનગર મળ્યું તે જમીનની બરોબર સામેની 10 એકર જમીન પર આંતરરાષ્ટ્રીય સ્તરનું આર્કિયોલોજી મ્યુઝિયમ બનશે અને તેમાં ધોળાવીરામાંથી જ ઉત્ખનન દરમ્યાન મળેલી તમામે તમામ મહત્વની ચીજ-વસ્તુ મુદ્રાલેખ, સોના ચાંદીનાં ઘરેણા સહિતના મુકાશે. પુરાતત્વખાતા સાથે સરપંચ હોવાના નાતે સંકળાયેલા અને ધોળાવીરા ગ્રામ સમિતિનાં નેજા હેઠળ ધોરડો રણરિસોર્ટનું સંચાલન સંભાળી રહેલા યુવા સરપંચ શ્રી સોઢા કહે છે કે કોટડા (ટીંબા)માં જે નગર ધરબાયેલું પડયું છે તે પૈકી 30 ટકા જ હજુ ઉત્ખનનથી ઉજાગર થયું છે બાકી નાનું ઉત્ખનન કાર્ય પણ આ `વર્લ્ડ હેરિટેજ સાઇટ'ની જાહેરાત થતાં જ શરૂ થશે. તેવી પુરાતત્વ ખાતાની પૂરી તૈયારી છે. ઉલ્લેખનીય છે કે સાઇટનાં જનક મનાતા પુરાતત્વ વિભાગનાં અધિકારી આર.એ. બિસ્ટને ધોળાવીરા ઉત્ખનન બદલ પદ્મશ્રીથી ભારત સરકારે સન્માનિત પણ કર્યા છે. પ્રાપ્ત વિગતો તો ત્યાં સુધી કહે છે કે હાલનું જે હડપ્પનનું ઉત્ખનન થયેલું છે તેને એક વિશાળ ડોમ તળે આવરી લઇ પ્રથમ આખે આખી આ સત્યતાની જનક મનાતી સાઇટને વરસાદ, તડકો, પવન, ધૂળથી રક્ષિત કરી લેવાશે અને પછી એ ડોમની અંદર જ અત્યાધુનિક ઢબે પુન: ઉત્ખનન કાર્ય શરૂ થશે અને એ કાર્યમાં સંભવ છે કે દેશ-વિદેશના તજજ્ઞો, ઇતિહાસકારો, પુરાતત્વવિદો અને ખગોળ-ભૂસ્તર તથા ભૂકંપ શાત્રીઓ પણ જોડાશે. સૂત્રોનું માનીએ તો આવનારા ટૂંક જ સમયમાં ધોળાવીરા ખાતે પુરાતત્વ વિભાગનાં કેન્દ્ર સરકારનાં એક ડાયરેકટરની પોસ્ટ ઉભી કરાશે અને એ પોસ્ટનાં નેતૃત્વ તળે આર્કિયોલોજીક સર્વે ઓફ ઇન્ડિયાની આખે આખી ફોજ અહીં કાર્યકરશે. તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠોની જેમ આવનારા સમયમાં ભૂસ્તર શાત્રનાં વિશ્વસ્તરનાં અભ્યાસક્રમ ધોળાવીરાથી જ ચાલતા હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે `વર્લ્ડ હેરિટેજ સાઇટ'ની આશાએ અને સંભાવનાએ જ ભારત સરકારે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ તળે આખે આખા ધોળાવીરા નગર (ગામ)ને, `આઇકોનિક પેલેસ'ની શ્રેણીમાં સમાવી લઇ સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવાનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે પ્રથમ તબક્કે આ કામગીરી માટે સાડા ત્રણ કરોડ જેટલી માતબર રકમ ફાળવાઇ છે અને આ તો પાશેરાની પહેલી પૂણી છે આગે આગે દેખીયે હોતા હૈ કયા ? હડપ્પન સાઇટ તો જાણે જગપ્રસિદ્ધ થઇ ગઇ પણ ધોળાવીરા મૂળ ગામનું શું ? આ મુદે સરપંચ જીલુભા જણાવે છે કે સ્વચ્છતા અને સુઘડતા સાથે સ્માર્ટ વિલેજ થવા ભણી ધોળાવીરા હાલ દોડી રહ્યું છે એમ કહી શકાય. આખા ગામમાં કયાંયે કાંટાળી વાળ નથી બધે જ વાડ દૂર કરી પથ્થરોની જાજરમાન દીવાલો કરી દેવાઇ છે. 2500ની વસ્તીવાળું આ આખું ગામ સીસી ટીવીની ત્રીજી નજરથી રક્ષિત છે. ગામ આખાની શેરીઓને નંબર આપી બંને બાજુના માર્ગને પેવર પ્લોકથી જડી દેવાયા છે. પાણીની લાઇન, ગટરની લાઇન છે. ગામની બહાર એક વિશાળ પાયે વોટર સ્ટોરેજ ટેન્કનું નિર્માણ 150 મીટર ડ 200 મીટર જગ્યામાં થઇ રહ્યુંં છે એ વોટર સ્ટોરેજમાંથી સંગ્રહિત પાણી ગામને પીવા-વાપરવા વિતરીત થશે. જિલ્લા કલેકટરએ અહીં એક લાખ લિટરની ક્ષમતાવાળા ડિસેલીનેશન પ્લાન્ટને પણ મંજૂરી આપી દેવાની ખાતરી પણ આપી છે. (રેમ્યા મોહને). જે જળાશયનું નિર્માણ થઇ રહ્યું છે તેને ફરતે વૃક્ષો અને બેઠક વ્યવસ્થા છે ચારેય તરફ પાકી પથ્થરની દીવાલથી શોભતા નાના-નાજુક ઘરોથી આખું ધોળાવીરા ધીમે ધીમે ભવ્ય ભૂતકાળ જેવી જ જાહોજલાલી ભણી સરકી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે. 

 
ધોળાવીરાની પાણીસંગ્રહયોજના પ્રિન્સ ઓફ વેલ્સ  મ્યુઝિયમ સુધી પહોંચી, અનુકરણ થયું
પાંચ હજાર વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિને સાચવી રહેલાં ધોળાવીરામાં સંગ્રહની યોજના માત્ર ધોળાવીરામાં જ છે જે કચ્છની પાણીના સંકટ એ સમયે જ પણ હતી તે સૂચવે છે આ યોજના એટલી તો અસરકારક છે કે તેનાથી પ્રભાવિત થઇને મહારાજા છત્રપતિ શિવાજી સંગ્રહાલય (પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ) મુંબઇના સત્તાવાળાએ પોતાના સંગ્રહાલય પરિસરમાં પાણીની પડતી અત્યંત તંગીને નિવારવા ધોળાવીરા મોડેલનો ઉપયોગ 2008ના વર્ષમાં કર્યો છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer