અંધારું થતાં જ...અસામાજિક પ્રવૃત્તિથી ખરડાતો પાવડીવાળો માર્ગ

અંધારું થતાં જ...અસામાજિક પ્રવૃત્તિથી ખરડાતો પાવડીવાળો માર્ગ
ભુજ, તા. 7 : શહેરમાં પાવડીવાળા મામાના મંદિર તરીકે જાણીતા વિસ્તારમાં વધતી જતી અસામાજિક પ્રવૃત્તિ પર રોક લગાવી આ માર્ગ પર પૂરતી લાઇટો લગાવવા સાથે દ્વિચક્રી વાહનચાલકો પણ અવર-જવર કરી શકે તેવા સુધારા વધારા કરાય તેવી લોકલાગણી ફેલાઇ છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજના પાવડીવાળા મામાના મંદિરવાળો માર્ગ અસામાજિક પ્રવૃત્તિથી ખરડાઇ રહ્યો છે. આ માર્ગે અંધારું થતાં જ યુવક-યુવતીઓની પણ અવર-જવર વધી જાય છે. સાંજ પડતાં જ ભદ્ર સમાજના લોકોને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ માર્ગ પાળેશ્વર ચોકથી પંચહટડી સુધી પહોંચતો હતો અને સ્વામિનારાયણ મંદિર જ્યાં આવેલું છે તેનાથી ટુંકા અંતરનો હોવાથી મોટી સંખ્યામાં લોકો આ રસ્તે પસાર થતા હતા. જેને પગલે અહીં સતત અવર-જવર રહેતી હોવાથી લુખ્ખા તત્ત્વો આ માર્ગે ફાવી શકતા નહોતા. પરંતુ પાળેશ્વર ચોકથી આ માર્ગે વળતાં માત્ર એક વ્યકિત આવી શકે તેવી દીવાલ બનાવી નખાઇ. તો પંચહટડી પાસે ઊતરતો આ માર્ગના ઢાળને પણ આડસ આપી દેવાઇ જેથી ધીરે-ધીરે આ માર્ગ બંધ જેવો જ થઇ ગયો. પહેલાં આ માર્ગે રાજાશાહી ગ્રીલ સાથેની પાળી પર લોકો પરિવાર સાથે બેસવા પણ આવતા અને સાંજની ઠંડક માણતા જે કાળક્રમે બંધ થઇ ગયું. લોકોની આવ-જાવ ઘટતાં જ ચોરોને મોકળું મેદાન મળ્યું અને રાજાશાહી ગ્રીલ ચોરવાનું શરૂ થઇ ગયું જે અંગે આ માધ્યમથી તંત્રનું ધ્યાન પણ દોરાયું હોવા છતાં હજુ સુધી તકેદારી નથી દાખવાઇ. જો આ માર્ગે સુધરાઇ દ્વારા વિકાસ કાર્યો હાથ ધરાય તો લોકોને એક નવું સ્થળ મળે સાથોસાથ આ માર્ગે થતી અનૈતિક પ્રવૃત્તિ પણ અટકે તેવી લોકલાગણી ફેલાઇ હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer