ખુરશીમાં બેઠા એટલે જાણે સંવેદના સાવ ગુમાવી !

ખુરશીમાં બેઠા એટલે જાણે સંવેદના સાવ ગુમાવી !
ગાંધીધામ, તા 7 : ખુરશીનો પ્રતાપ તેના ઉપર બેસનારા અને સમાજ સૌને દઝાડે છે. જો ખુરશીમાં બેઠેલી વ્યકિત સંવેદના ગુમાવી દે તો સારાં-નરસાનું ભાન રહેતું નથી. આવું જ કંઈક દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના પેન્શન વિભાગ સાથે થઈ રહ્યું છે. વર્ષમાં એકવખત નવેમ્બર મહિનામાં હયાતીની ખરાઈ અર્થે આવતા વૃદ્ધ અને અશક્ત નિવૃત્ત કર્મચારીઓ સાથે કેટલાક અધિકારીઓ દ્વારા કરાતો તુમાખીભર્યો વ્યવહાર અને બિનજરૂરી રીતે ખવડાવાતા ધક્કાને લઈને પ્રશાસનિક ભવનમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ઠેઠ ભુજ કે કચ્છ બહારથી પણ નિવૃત્ત કર્મચારીઓ 60થી માંડીને 80 વર્ષની જૈફ વયે માત્ર હયાતીની ખરાઈ અર્થે આવતા હોય ત્યારે ડીપીટી પ્રશાસને સંવેદના બતાવવી જોઈએ. આથી અગાઉ પણ આ અખબારના પાને આ મુદ્દો ચમકી ગયો હતો. અધિકારીઓનાં ઘર, લેપટોપ, ઓફિસ બેગ, મોબાઈલ વગેરે પછવાડે કરાતા લાખોના ખર્ચ સામે આ પેન્શનર્સને પ્રથમ માળે ન ચડવું પડે તે માટે ભોંયતળિયામાં જ પેન્શન વિભાગ શરૂ કરવાનું સૂચન થયા છતાં અમલીકરણ થતું નથી. પેન્શન વિભાગના સૂત્રોએ આ મુદ્દે ભૂતકાળમાં `િલફટ' છે ને એવો જવાબ આપેલો છે, પરંતુ હાલે લિફટ પણ બંધ હાલતમાં છે. પરિણામે વૃદ્ધ અને અશક્ત આ નિવૃત્ત કર્મચારીઓ કચેરીમાં આવીને રીતસર ઠેબાં ખાય છે. અગાઉ તદન હંગામી મહિલા કર્મચારી સાથે ગેરવર્તણૂક બાબતે ચર્ચામાં આવેલા પેન્શન વિભાગના એક અધિકારી આ વૃદ્ધ અને અશક્તો સાથે પણ દુર્વ્યવહાર કરતા હોવાની ફરિયાદ ઊઠી છે. પ્રશાસન આવા અધિકારીને શા માટે છાવરે છે તે સમજાતું નથી. મહિલા કર્મચારી સાથેના વ્યવહાર બાબતે અખબારના પાને ચમકયા પછી પ્રશાસને આશ્ચર્ય સાથે એ મહિલા કર્મચારીને ત્યાંથી હટાવી લીધા હતા, જ્યારે આ અધિકારીનું કંઈ પુછાણુંય લેવાયું નહોતું. આજે ઠેઠ ભુજથી આવેલા 85 વર્ષના પેન્શનર નવીનભાઈનું બેંકમાં પત્ની સાથે જોઈન્ટ એકાઉન્ટ છે એટલે તેમનું હયાતીનું ફોર્મ નહીં સ્વીકારી, સિંગલ એકાઉન્ટ કરાવી આવો તેવો જવાબ અપાયો હતો. આશ્ચર્ય એ વાતનું છે કે જોઈન્ટ એકાઉન્ટમાં 14 વર્ષથી પેન્શન જમા થાય જ છે. જો કોઈ નિયમ હોય, બદલાવ થયો હોય તો તેઓ અંગે અગાઉથી પેન્શનર્સને જાણ થવી જોઈએ. અહીં 60 કિ.મી. દૂરથી આવેલાને દોડાવી દેતી વખતે સંબંધિત અધિકારી એમ સમજતા હોય છે કે તેઓ કયારેય નિવૃત્ત થવાના નથી. આ પેન્શનર ઉપરાંત બીજા અનેક અશક્ત અને લાકડીના ટેકે ચાલતા વરિષ્ઠ નાગરિકોને કચેરીમાં અહીંથી તહીં ઠેબાં ખાતા જોઈને ઘણા સહૃદયી કર્મચારી-અધિકારીઓ સમસમી ગયા હતા. ખાનગી રાહે મદદ કરતા જણાયા હતા, પરંતુ પેન્શન વિભાગ કોઈનું સાંભળવા તૈયાર નહોતો.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer