ધોળાવીરા રિસોર્ટની ભૂમિકા અગત્યની

ધોળાવીરા રિસોર્ટની ભૂમિકા અગત્યની
ધોળાવરા, તા. 7 : કચ્છમાં પશ્ચિમી ઉત્તરીય ખૂણે સફેદ નમક સરોવર થકી ધોરડોનું મહત્વ પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ જ વધી ગયું રણોત્સવનાં મસમોટા આયોજન થકી આખે આખી બન્નીમાં રોજગારીનાં દ્વારો ખુલી ગયાં, હસ્તકળા કારીગરી, પરિવેશ, ભૂંગા-માવો, ભેંસ, નેંસ બધુ જ વિકાસ પામી રહ્યું છે પણ આ પશ્ચિમ-ઉત્તર છે પૂર્વમાં બરોબર સામે ખડીરનું ધોળાવીરા ગઇકાલ સુધી એકલું અટૂલું અને ઉપેક્ષિત હતું પણ ધરતીકંપ બાદ તત્કાલીન કેન્દ્રીય સંચારમંત્રી અને કદાવર મરાઠા નેતા પ્રમોદ મહાજને ધોળાવીરાને દત્તક લીધું ત્યારથી આ નગર પણ ધીમે ધીમે છતાં મક્કમ ગતિથી વિકાસની રાહ પકડી રહ્યું છે. ધોળાવીરાનાં વિકાસનાં કેન્દ્રમાં ભલે હડપ્પન સાઇટ હોય પણ ધોળાવીરા ટુરીઝમ રિસોર્ટ રેસિડેન્સી એન્ડ રેસ્ટોરન્ટની ભૂમિકા સૌથી અગત્યની સાબિત થઇ રહી છે. કચ્છ કલેકટર, પ્રવાસન તંત્ર અને ધોળાવીરા ઇકો કમિટીનાં સંયુક્ત પ્રયાસથી અસ્તિત્વમાં આવેલા રિસોર્ટ થકી જ આજે અહીં સુધી આવનારને ખાવા, પીવા, રહેવાની સુવિધા પ્રાપ્ત થાય છે. આ એ જ ખડીર છે કે જ્યાં રતનપર ગામે સવાભાઇ પટેલની આગતા સ્વાગતા એટલી જાણીતી છે કે કોઇને યાદ જ ન અપાવવી પડે, આ રિસોર્ટ પણ હવે એ કક્ષાએ પહોંચી ગયું છે. અહીં એસી. નોન એસી. રૂમ તો છે જ છે પણ પર્યાવરણને કેન્દ્રમાં રાખીને ભોજન વ્યવસ્થા છે. અહીંના રેસ્ટોરેન્ટમાં ખડીરનાં જ ઘઉં, બાજરો, મગ અને શાકભાજી વપરાય છે જે તદન પવિત્ર છે. નાના વિદ્યાર્થીથી માંડીને મંત્રી સહિતનાની અહીં સગવડ છે. ગામનાં જ 25થી 30 યુવાનો આ રિસોર્ટમાં માળી, ડ્રાઇવર, ગાઇડ, રસોયા, મેનેજરથી માંડીને વેઇટર સહિતની વિવિધ ભૂમિકા ભજવી રોજી મેળવે છે. ઓનલાઇન બુકીંગ સાથે વૈશ્વિકસ્તરે જોડાયેલું આ રિસોર્ટ કચ્છી ઓર્ગેનિક ફૂડના પ્રચાર  પ્રસારમાં અગ્રેસર છે. જીપ સફાઇ, ઊંટગાડી, કેમ્પ ફાયર, અને નાના-મોટા સૌને પરવડે તેવા ભાવથી ચાલતું આ સાહસ ગામની એકતા અને સંપને   પણ વધુને વધુ મજબુતાઇ બક્ષી રહ્યા છે. ધોળાવીરાનું સૌથી મોટું આકર્ષણ ભલે હડપ્પન સાઇટ હોય પણ ફોસીલ્સ પાર્ક તથા ભંજડા દાદા મંદિરની પાછળ રણમાં જ્યારે નમક પાકે છે ત્યારે આ સ્થળની સૌમ્યતા ધોરડોના વ્હાઇટ ડેઝર્ટને પણ આંટી જાય છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વનું રણ કાચું કુંવારું છે. હાલ ભલે એમાં દરિયા જેવા પાણીના મોંજા ઉછળતા હોય પણ મીઠું જામતાં જ એની સફેદી પાસે અન્ય સફેદી ઝાંખી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer