ધવનને બહાર કરી રાહુલ પાસે ઓપનિંગ કરાવો : શ્રીકાંત

નવી દિલ્હી, તા. 7 : પૂર્વ ક્રિકેટર કૃષ્ણામચારી શ્રીકાંતે શિખર ધવન ઉપર મહત્વનું નિવેદન આપ્યું છે. શ્રીકાંતના કહેવા પ્રમાણે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ઓપનર શિખર ધવનને ટીમમાંથી બહાર કરવો જોઈએ અને કેએલ રાહુલને ઓપનિંગમાં રમાડવો જોઈએ. શ્રીકાંતે કહ્યું હતું કે, વિશ્વકપ ટીમ મેનેજમેન્ટના ધ્યાનમાં હોય તો શિખરના સ્થાને રાહુલને ઓપનિંગની તક આપવી જોઈએ. શ્રીકાંતે એક અખબારના આર્ટિકલમાં શિખર ધવનના 42 બોલમાં 41 રનની ધીમી બેટિંગ ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે, ટીમ મેનેજમેન્ટે કોમ્બિનેશન ઉપર ધ્યાન આપવું જ પડશે. છેલ્લા અમુક સમયમાં ભારતીય ટીમ પાવરપ્લેમાં આશા પ્રમાણે રન બનાવવામાં નાકામ રહી છે. શિખર ધવનના બેટિંગના દ્રષ્ટિકોણ ઉપર સવાલ ઉઠાવતા શ્રીકાંતે ઉમેર્યું હતું કે, સીનિયર મેમ્બર હોવા છતા પણ ધવન મેદાન ઉપર પોતાની સ્વાભાવિક રમત રમી શકતો નથી. ઓપનિંગમા રોહિત શર્મા સાથે આક્રમક બેટ્સમેન હોવો જોઈએ. જે પાવરપ્લેનો ફાયદો ઉઠાવી શકે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer