મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણ ચરમસીમાએ

મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્રમાં સરકાર રચનાની મહેતલ પૂરી થવાના અમુક કલાક પહેલાં રાજ્યનાં રાજકારણમાં ભારે હલચલ મચી હતી. એક બાજુ શિવસેનાની `માતોશ્રી' બંગલે બેઠક યોજાઇ હતી. બાદમાં, શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત બાદ વિધાયકો તૂટવાની આશંકાએ તમામ ધારાસભ્યોને હોટેલમાં ખસેડી દેવામાં આવ્યા હતા. બીજી બાજુ ભાજપે કહ્યું હતું કે, તેઓ લઘુમતીની સરકાર નહીં બનાવે. સવારે ભાજપના નેતા રાજ્યપાલને મળવા દોડી ગયા હતા. નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, નવી સરકાર ફડણવીસની આગેવાનીમાં રચાશે. આમ છતાં શિવસેના અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલામાં અડગ છે. ઉદ્વવ ઠાકરેએ દૃઢતા સાથે કહી દીધું હતું કે, જો ભાજપ શિવસેનાને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ આપવા તૈયાર હોય તો જ ફોન કરે. સેના નેતા સંજય રાઉતે સ્પષ્ટ કહી દીધું હતું કે, ધમકી અને બ્લેકમેઇલિંગ હવે નહીં ચાલે. અમારા પાસે  પણ વિકલ્પ છે. ઠાકરે પરિવારના નિવાસ માતોશ્રી ખાતે આજે શિવસેનાના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી અને પછી તમામ ધારાસભ્યોને રંગ શારદા હોટેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. શિવસેનાના કહેવા અનુસાર તેના વિધાયકો સાથે સોદાબાજી થવાની આશંકા છે. તો ગવર્નરને મળ્યા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે વધુ એકવાર ગઠબંધન સરકાર રચવાની વાત દોહરાવી હતી. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ પાંચ વર્ષ માટે ભાજપ અને શિવસેનાની યુતિને જનાદેશ આપેલો છે. તેના આધારે જ સરકાર બનવી જોઈએ. પાટિલે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે બેઠક પછી કહ્યું હતું કે, તેમણે રાજ્યપાલને સરકાર રચનામાં વિલંબના કાનૂની પાસાઓ વિશે અવગત કર્યા છે.આ પહેલાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને નાગપુર જઈને મળ્યા હતા. ગડકરીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા વિશે ટૂંકસમયમાં જ ફેંસલો લેવાઈ જશે. દેવેન્દ્ર ફડણવીસનાં નેતૃત્વમાં જ મહારાષ્ટ્રની સરકાર બનવી જોઈએ. જો કે પોતે કેન્દ્રમાં સંતુષ્ઠ હોવાનું કહીને મહારાષ્ટ્રનાં રાજકારણમાં વાપસીની અટકળો તેમણે નકારી દીધી હતી. સામે પક્ષે ઉદ્ધવ ઠાકરેએ પોતે દૃઢ નિશ્ચયી હોવાનું કહેતાં ઉમેર્યું હતું કે, તેઓ ભાજપ સાથે જોડાણ તોડવા માગતા નથી પણ તેણે પોતાનું વચન પાળવું પડશે. જો ભાજપ અડધા કાર્યકાળ માટે મુખ્યમંત્રી પદ શિવસેનાને આપવા તૈયાર હોય તો ફોન કરે. તેમણે આગળ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી વખતે જે નક્કી થયું હતું તે બારામાં ભાજપ તૈયાર હોય તો પોતે ભાજપનાં નેતૃત્વ સાથે ચર્ચા કરવા તૈયાર છે. જો ભાજપ અડધી મુદ્દત માટે મુખ્યમંત્રી પદ આપવા તૈયાર ન હોય તો ફોન કરવો જ નહીં. આવી જ આક્રમકતા સાથે શિવસેનાના સંજય રાઉતે કહ્યું હતું કે, જો ભાજપ સરકાર બનાવવા આગળ ન આવે તો તેનો અર્થ એવો થાય કે તેની પાસે બહુમત નથી. તેની મંછા રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવાની છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer