દેશમાં 4 હજાર જજના માથે છત નથી!

નવી દિલ્હી, તા. 7 : ભારત દેશમાં અત્યારે 18,200 જેટલા ન્યાયમૂર્તિ છે. લગભગ 23 ટકા ન્યાયાધીશના પદ ખાલી છે. દેશભરમાં 4071 કોર્ટ રૂમની અછત છે. મતલબ કે હજારો ન્યાયમૂર્તિઓના માથા પર છત જ નથી, જેની નીચે બેસીને સુનાવણી કરી શકે, કે ફેંસલા આપી શકે. ઈન્ડિયા જસ્ટિમ રિપોર્ટ-2019 મુજબ, દેશમાં કુલ 23,754 અદાલતો જરૂરી છે, જેમાં 18 ટકાની અછત છે. દેશમાં અદાલતોના નિર્માણની ગતિ ઘણી ધીમી છે. આમ થવા પાછળ બજેટની અછત પણ એક કારણ છે. કોર્ટ રૂમની અછતના કારણે જજની ભરતીની પ્રક્રિયાને અસર થાય છે, જેના પગલે પડતર કેસોના નિકાલમાં વિલંબ થઈ રહ્યો છે. દેશના 30માંથી 11 રાજ્ય એવાં છે, જ્યાં જરૂરી ન્યાયમૂર્તિના પદોની તુલનાએ કોર્ટ રૂમ 10 ટકાથી પણ ઓછા છે. લગભગ 24 રાજ્યમાં ન્યાયમૂર્તિઓની જરૂરી સંખ્યા સામે અદાલતો ઘણી ઓછી છે. નાની અને મોટી અદાલતોમાં કેસના નિવેડામાં સરેરાશ 2.7થી 9.5 વર્ષનો વિલંબ થાય છે. દેશના 18 મોટા અને મધ્યમ કદના રાજ્યોમાં હાઈકોર્ટ ન્યાયમૂર્તિના સ્વીકૃત ચારમાંથી એક પદ એટલે કે, 25 ટકા પદ ખાલી છે. આખા દેશના જીડીપીના 0.08 ટકા હિસ્સો જ ન્યાયતંત્રની વ્યવસ્થાઓ પાછળ ખર્ચાય છે. દેશના મોટા ભાગના રાજ્યો તેમના બજેટનો માત્ર 1 ટકા હિસ્સો ન્યાય પાલિકા પાછળ ખર્ચે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer