ફ્|ડ અને ડ્રગ્સનો વરિષ્ઠ કારકુન લાંચમાં ઝડપાયો

ભુજ, તા. 7 : કેટરર્સ તરીકેનો વ્યવસાય કરવા માટેનો પરવાનો તૈયાર થઇ ગયા પછી વ્યવહારના સ્વરૂપમાં રૂા. પાંચ હજારની લાંચ સ્વીકારતા અત્રેની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીનો વરિષ્ઠ કારકુન વિજય દયારામ ભીલ લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોએ ગોઠવેલા છટકામાં રંગેહાથ ઝડપાઇ જતાં ચકચાર જાગી છે. આ શહેરમાં કાર્યરત બહુમાળી ભવન ખાતે 306 નંબરના કક્ષમાં આવેલી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીમાં આજે બપોરે કચેરીનો વર્ગ-3નો કર્મચારી એવો વરિષ્ઠ કારકુન વિજય ભીલ આજે બપોરે કહેવાતી લાંચની રકમ રૂા. પાંચ હજાર સ્વીકારી રહ્યો હતો ત્યારે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો બનાસકાંઠા એકમની ટુકડીએ તેને આબાદ ઝડપી લીધો હતો.  એ.સી.બી.ના સત્તાવાર સાધનોએ આ વિશેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, જેનું નામ ગુપ્ત રખાયું છે તેવા આ કેસના ફરિયાદી જાગૃત નાગરિક કેટરર્સ તરીકેનો વ્યવસાય કરવા માગતા હોવાથી તેમણે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાસેથી જરૂરી એવા લાયસન્સની માગણી કરી હતી. કચેરીમાં લાયસન્સને લગતું કામકાજ સંભાળતા સિનિયર કારકુન વિજય ભીલનો ફરિયાદીએ સંપર્ક કરતાં તેમને એવો જવાબ અપાયો હતો કે તમારું લાયસન્સ તૈયાર છે પણ વ્યવહારનું શું ? આ માટે રૂા. પાંચ હજાર આપવા પડશે. પરંતુ ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે આ બાબતે એ.સી.બી. સમક્ષ ફરિયાદ કરતાં ઉચ્ચ કક્ષાએથી દળના બનાસકાંઠા એકમની ટુકડીને કામે લગાડી આ સફળ છટકું પાર પાડવામાં આવ્યું હતું. છટકાની કાર્યવાહીમાં એ.સી.બી. બનાસકાંઠાના ઇન્સ્પેક્ટર કે.જે. પટેલ સાથે સ્ટાફના સભ્યો જોડાયા હતા. સુપરવિઝન અધિકારી તરીકે સરહદ એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ રહ્યા હતા. વરિષ્ઠ સરકારી કર્મચારી લાંચના છટકામાં ઝડપાતાં ચકચાર જાગી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer