કચ્છ યુવક કોંગ્રેસ પ્રમુખે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે બખાડા કાઢયા

ગાંધીધામ, તા. 7 : કચ્છના રાજકીય પક્ષોમાં હાલમાં જૂથવાદ, વિખવાદ બહાર આવી રહ્યા છે. અત્યારથી જ વાતાવરણ ગરમ થતાં ભારે ચકચાર પ્રસરી છે. કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ હરિસિંહ જાડેજાએ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વિશે સોશિયલ મીડિયા ફેસબુક ઉપર લખાણ લખતાં ચકચાર પ્રસરી હતી. ભુજમાં ભાજપનો ડખો હજુ શમ્યો નથી તેવામાં હવે જિલ્લા કોંગ્રેસનો ડખો સપાટીએ આવતાં રાજકીય પક્ષોમાં ગરમાગરમી થઇ છે તો લોકો માટે આ ચર્ચાનો વિષય બન્યો છે. કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ હરિસિંહ જાડેજાએ ફેસબુક ઉપર લખેલા લખાણ મુજબ કચ્છમાં કોંગ્રેસનાં નબળા નેતા તરીકે યજુવેન્દ્રસિંહ જાડેજાને લીધે એક વર્ષમાં કોંગ્રેસના અનેક સારા નેતા ભાજપમાં જોડાઇ ગયા, ઘણા ખરા સારા આગેવાનો નિક્રિય થઇ ગયા છે. કોંગ્રેસને બચાવવી હોય તો યજુવેન્દ્રસિંહને પ્રમુખપદથી હટાવો કચ્છ બચાવો તેવી પોસ્ટ મૂકવામાં આવી છે. બીજી પોસ્ટમાં જિલ્લામાં કોંગ્રેસનું પતન થઇ ગયું છે. જો આપણું ભવિષ્ય જોવું હોય તો આપણે પોતે સ્વયં આગળ આવવું પડશે. નવલસિંહનો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે નવલસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવે.આ અંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે મારી સાથે કોઇને વ્યક્તિગત વાંધો હોઇ શકે છે, પક્ષમાં કોઇ જૂથવાદ નથી. અગાઉ પણ અમે બધા મળીને કામ કરતા હતા અને આગામી સમયમાં પણ સાથે મળીને જ કામ કરશું. કોઇને વાંધો હોય તો પાર્ટીના પ્લેટફોર્મ ઉપર વાંધો રજૂ કરી શકાય. આવી રીતે કરવું તે અયોગ્ય છે. આ અંગે કોઇ પગલાં લેવાશે કે કેમ તેવું પૂછતાં તેમણે કહ્યું હતું કે, મોવડીઓને આ અંગે વાત કરશું. જિલ્લામાં હાલમાં બન્ને મુખ્ય પક્ષોમાં વિખવાદ કે ડખો બહાર આવતાં લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer