નાની સિંચાઇની નહેરો માટે 125 કરોડ મંજૂર

ભુજ, તા. 7 : કચ્છમાં આ વર્ષે મેઘમહેર થતાં નાની સિંચાઇના તમામ ડેમ લહેરાઇ રહ્યા છે, ત્યારે તેમની કેનાલ ક્ષેત્રના ખેડૂતોને શિયાળુ પાક લેવા સિંચાઇનો લાભ મળે તે માટે કેનાલોની મરંમત માટે રાજ્ય સરકારે 125 કરોડની ગ્રાન્ટ જિલ્લા પંચાયતને ફાળવી છે. સિંચાઇ સમિતિના અધ્યક્ષા ભાવનાબા પરેશસિંહ જાડેજાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો અને સિંચાઇમંત્રી કુંવરજી બાવળિયાનો આભાર માનતાં કહ્યું કે, 49 ટેન્ડર મંજૂર કરાશે. તેની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવા સાથેનહેરોની મરંમત સમયસર પૂર્ણ થઇ જશે. તાલુકાવાર ટેન્ડરની વિગતો આપતાં જણાવ્યું કે, નખત્રાણા તા.ના. 10, લખપતના 11, અબડાસાના તા.ના 14, ભુજ તા.ના. 4, માંડવી તા.ના 7, મુંદરા તા.ના બે અને અંજાર તા.ના વરસામેડીની કેનાલ મરંમતના ટેન્ડર પ્રક્રિયામાં છે તો 21 કામો તાત્કાલિક મંજૂર થાય તેમ હોવાથી હવે કચ્છની કોઇ કેનાલ મરંમત વિનાની નહીં રહે. બીએડીપીના અગાઉની ટેન્ડર પ્રક્રિયા કરાયા બાદ નામંજૂર કરાયેલા પૈકી 1.54 કરોડના 17 કામોને મંજૂરી મળી છે, જ્યારે બે કરોડના કામોની દરખાસ્ત રદ કરાઇ છે. તાજેતરમાં ભુજની મુલાકાતે આવેલા પાણી પુરવઠાના ચીફ ઇજનેર શ્રી વ્યાસે દરખાસ્તો બાબતે સાનુકૂળ પ્રતિસાદ આપ્યો હોવાનું અધ્યક્ષા શ્રીમતી જાડેજાએ ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer