પરીક્ષાનો સમય લંબાતાં ભણવાના દિવસો ઘટશે

હેંમાગ પટ્ટણી દ્વારા-  ભુજ, તા. 7 : કચ્છ યુનિ.એ ચાલુ સાલે પરીક્ષા 3 તબક્કામાં લઇ તેનું સમયપત્રક અત્યંત લાંબું બનાવતાં છાત્રોના અભ્યાસના દિવસો આ કારણે ઘટે તેવી સ્થિતિ સર્જાઇ છે. જો કે યુનિ.નો સંપર્ક કરતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં આ બાબતને જોવા મળ્યાની વાતને સમર્થન આપીને આ મુદે ફેર વિચારણા કરવાની ખાત્રી આપી છે. પરીક્ષાર્થી અને તેમના વાલીઓ ઉપરાંત કેટલાક પ્રાધ્યાપકોએ કચવાટ સાથે પોતાની લાગણી વ્યકત કરતાં કહ્યું કે પરીક્ષાનો પહેલો તબક્કો દિવાળી વેકેશન પહેલાં આટોપી લીધા પછી બીજું ચરણ 18 નવેમ્બરથી શરૂ થશે. એસ.વાય.ની પરીક્ષા પ્રથમ ચરણમાં પૂરી કરી લેવાઈ છે અને હવે એફ.વાય.ની  પરીક્ષા શરૂ થશે તે પછી 28મીથી ટી.વાય.ની પરીક્ષા લેવામાં આવશે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ઉમેરે છે કે અગાઉ પરીક્ષા લેવાતી ત્યારે એફ.વાય. અને ટી.વાય.ના છાત્રોને સાથે બસાડવામાં આવતા હતા. આ વખતે પહેલીવાર ત્રણેય વરસની  પરીક્ષા અલગ અલગ લેવામાં આવી હોવાના કારણે તબક્કો ઘણો લંબાઈ ગયો છે. વેકેશન 14મીએ પૂરું થઈ ગયા બાદ બીજું ચરણ 18ના શરૂ થશે ત્યારે 4 દિવસમાં છાત્રો શું ભણી શકશે તેવો સવાલ ઉઠાવી જેમની પરીક્ષા પતી ગઈ છે એવા છાત્રો ભણવા આવશે તો પણ તેમને ભણાવવા માટે અધ્યાપકો તો હાજર જોવા નહીં મળે. કેમ કે તેઓ તો પરીક્ષા અને મૂલ્યાંકનની કામગીરીમાં રોકાયેલા હશે. અગાઉ એક દલીલ એવી કરવામાં આવી હતી કે ભુજની લાલન અને કોમર્સ ઉપરાંત આદિપુરની કોલેજમાં પરીક્ષાર્થીઓના ધસારાના કારણે બેઠક વ્યવસ્થાને ધ્યાને લઇ શિડયૂઅલ થોડું લંબાઈ ગયું છે. છાત્રોની રાવ છે કે તમામ પરીક્ષાઓ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ચાલશે અને તે બાદ ફેબ્રુઆરીમાં તો ઈન્ટરનલ અને તે પછી માર્ચમાં વાર્ષિક પરીક્ષા યોજાવાની હોવાથી છાત્રોને ભણવા માટે અને પ્રાધ્યાપકોને ભણાવવા માટે અને કોર્ષ પૂરો કરવા માટે રાત થોડીને વેશ ઝાઝાની સ્થિતિ સર્જાશે. આ સમગ્ર બાબતે જ્યારે ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. એમ. જી. ઠકકરને પૂછતાં આ અંગેની રજૂઆત મળી હોવાની બાબતને સમર્થન આપી  ઉમેર્યું કે તારીખોની જાહેરાત આગોતરી કરાઈ છે, આમ છતાં પરીક્ષા નિયામક રજા પરથી આવી જાય તે પછી એક બેઠક યોજવામાં આવશે અને જરૂર જણાશે તો પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર પણ કરવામાં આવશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer