લુણીમાં યુવતી, મેઘપરમાં યુવાનનો આપઘાત

ભુજ, તા. 7 : મુંદરા તાલુકાના લુણી ગામે 19 વર્ષની વયની અપરિણીત યુવતી જનકબા પેમજી રાઠોડે ગળેફાંસો ખાઇને કોઇ કારણોસર જીવનનો અંત આણ્યો હતો. તો બીજી બાજુ અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે અસ્થિર મગજનો હોવાનું બતાવાયેલા રિયાઝ અબ્બાસ કરાડિયા નામના 27 વર્ષીય ઘાંચી યુવકે પણ ફાંસો ખાઇને મોતનો માર્ગ અપનાવી લીધો હતો. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત માહિતી મુજબ લુણી ગામે રહેતા પેમજી રાઠોડની પુત્રી જનકબાએ ગતરાત્રિ દરમ્યાન ગમે ત્યારે તેના ઘરમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. આજે સવારે આ હતભાગી તેના ઘરમાં લટકતી મળી આવી હતી. આ પછી તેને હોસ્પિટલ ખસેડાઇ ત્યારે ત્યાં તેને વિધિવત મૃત જાહેર કરાઇ હતી. મરનાર યુવતીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તેની ચોક્કસ વિગતો આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ નથી. મુંદરા મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આ સંબંધી છાનબીન હાથ ધરી છે. બીજી બાજુ અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ મેઘપર (બોરીચી) ખાતે ધરા રેસિડેન્સી વસાહત ખાતે રહેતા રિયાઝ કરાડિયાના આપઘાતનો કિસ્સો પણ બહાર આવ્યો હતો. પોલીસે આ સંબંધી માહિતી આપતાં જણાવ્યું હતું કે ગઇકાલે સાંજે હતભાગી રિયાઝના માતા-પિતા બહાર ગયા હતા ત્યારે પાછળથી આ યુવાન પંખાના હૂકમાં દોરી વડે લટકી ગયો હતો. માતા-પિતા ઘરે આવતાં ઘર અંદરથી બંધ મળ્યા પછી બારીમાંથી જોતાં ઘટના પ્રકાશમાં આવી હતી. આ પછી પોલીસને જાણ કરાઇ હતી. અપરિણીત એવો રિયાઝ અસ્થિર મગજ ધરાવતો હતો. આ સંબંધે તેની સારવાર-દવા પણ ચાલુ હતી. આ સ્થિતિ વચ્ચે તેણે કયા કારણે આત્મહત્યા કરી તે દિશામાં છાનબીન હાથ ધરાઇ છે, તેમ પોલીસે ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer