હોટલના રસોડામાં પ્રવેશતાં કોઇને રોકી શકાશે નહીં

ભુજ, તા. 7 : બહારથી ફાઇવસ્ટાર લાગતી મોટી હોટલોના રેસ્ટોરન્ટના રસોડામાં ક્યાંય સ્વચ્છતા જળવાતી નથી. ક્યાંક તૈયાર રસોઇ ઉપર પણ જીવજંતુ ફરતા હોવાના તપાસ દરમ્યાન બહાર આવેલા કિસ્સા સામે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે કડક પરિપત્ર બહાર પાડી જમવા આવતા ગ્રાહકોને હોટલ માલિક હવે રસોડું નિહાળવા અટકાવી શકશે નહીં એમ જણાવ્યું હતું. રાજ્યના કમિશનરે બહાર પાડેલા એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન વગેરે સ્થળે હવે માલિકો `નો એડમિશન વિધાઆઉટ પરમિશન' કે `એડમિશન ઓન્લી વિથ પરમિશન' આવા અંગ્રેજીમાં બોર્ડ રસોડાના દરવાજા ઉપર લગાવ્યા હશે તો તાત્કાલિક દૂર કરવા પડશે. જ્યાં ભોજન બનતું હોય ત્યાં માલિકોએ સ્વચ્છતાની કાળજી રાખવી પડશે. કમિશનરે જે તે વિસ્તારના ફૂડ ઇન્સ્પેક્ટરને આદેશ કરી તમામ વિસ્તારોમાં તપાસ કરવા જણાવ્યું હતું.ગ્રાહકો સારી સારી હોટલોમાં જમવા ગયા હોય ત્યાંના રસોડાના પોતાના મોબાઇલ ઉપર વીડિયો તૈયાર કરી સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કર્યા હોવાથી ભારે હોબાળો મચ્યા બાદ રાજ્યનો ફૂડ વિભાગ જાગ્યો છે. કમિશનરે તાકીદ કરી છે કે રસોડામાં સ્વચ્છતા હોય તેની તકેદારી રાખવાની ફરજ માલિકોની છે. વળી જ્યાં ગ્રાહકો જમતા હોય એવા ડાયનિંગ હોલમાંથી પણ?ગ્રાહકો રસોઇઘર નિહાળી શકે તેવી બારી અને કાચના દરવાજા પણ લગાવવા પડશે. જો નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો કડક પગલાં લેવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer