ભુજની લાખેણી લૂંટનો તાગ હજુયે દૂરનો દૂર

ભુજ, તા. 7 : પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓના જ્યાં `બેસણા' છે તેવા જિલ્લાના આ રાજનગરમાં દિવાળી પહેલાં વીસેક દિન અગાઉ વેપારી પરિવારના સભ્યો પાસેથી ફિલ્મીઢબે કરાયેલી લાખોની લૂંટના મામલાનો હજુ કોઇ સબળ સુરાગ ન મળતાં મિલકત વિરોધી ગુનાઓના શોધનમાં પશ્ચિમ કચ્છ પોલીસનો ઘોડો `લંગડી ચાલ' ચાલી રહ્યો હોવાનો અહેસાસ વધુ દૃઢ બન્યો હતો. શહેરમાં ભાનુશાલીનગર વિસ્તારમાં રિલાયન્સ મોલ પાસેની ગલી નજીક દિવાળી પૂર્વે તા. 18/10ના રાત્રે લૂંટની આ ઘટના બની હતી, જેમાં શહેરની જાણીતી વેપારી પેઢી કારિયા બ્રધર્સના સંચાલકો ઉપર બાઇકથી સામેથી આવી ફિલ્મીઢબે તેમને પાડી દઇ રૂા. સાડા આઠ લાખની રોકડ ભરેલો થેલો લૂંટી જવાયો હતો. આ પ્રકરણના અમુક અંશો સી.સી. ટી.વી. કેમેરામાં મળ્યા બાદ એક તબક્કે ઘટનાનો ભેદ હાથવેંતમાં હોવાની વિગતો પણ સપાટીએ આવી હતી, પણ બાદમાં હજુ સુધી ફળદાયી પરિણામ તરફ છાનબીન ન ધપતાં કાયદો અને વ્યવસ્થાને લઇને અનેક સવાલો ઊભા થયા છે. જાણવા મળેલી વિગતો અનુસાર લૂંટની ઘટના બાદ ગંભીરતા સાથે હરકતમાં આવેલા પોલીસના વિશાળ કાફલાએ વ્યાપક અને ચોમેર દોડધામ મચાવી હતી. જેમાં સી.સી. ટી.વી.માં કેદ થયેલાં અસ્પષ્ટ કહી શકાય તેવાં દૃશ્યોને લઇને ચોક્કસ સુરાગ મળતો પણ જોવા મળ્યો હતો. ઘટનાને અંજામ આપનારા સ્થાનિકના જ હોવાની આનુસંગિક કડીઓ સપાટીએ આવવા વચ્ચે મહત્ત્વના કહી શકાય તેવા સંબંધિત અધિકારીઓ બદલાઇ જતાં તપાસનો આગળનો માર્ગ અટવાઇ પડયો હોવાનું પણ અનુભવાઇ રહ્યું છે. અલબત્ત પોલીસદળ હજુયે પરિણામ માટે મક્કમ હોવાની અને તે દિશામાં ગંભીરતા સાથે પ્રયાસો અવિરત હોવાની વિગતો પણ અપાઇ હતી. મહત્ત્વના પોલીસ અધિકારીઓ બદલી જવા ઉપરાંત  ગતરાત્રે થયેલા નિમણૂક અને આંતરિક બદલીના હુકમો થકી સંબંધિત મથક અને શાખાઓમાં મુકાયેલા અધિકારીઓ માટે પણ લૂંટનો આ અનડિટેકટ કેસ પડકાર સાથે પ્રાયોરિટી સમાન બની રહે તેમ છે, તો પોલીસદળ કેટલી ઝડપથી તાગ મેળવે છે તેના ઉપર પણ સંબંધિતોની નજર મંડાઇ છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer