રાપરમાં નજીવી બાબતે ચાર જણને પાંચ જણે માર માર્યો

ગાંધીધામ, તા. 7 : રાપરમાં વાહન ધીમું ચલાવવાનું કહી પાંચ શખ્સોએ બે મહિલા સહિત ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો. રાપરમાં રહેનારો રમેશ દુદા ધૈડા નામનો યુવાન જીપ લઇને જતો હતો ત્યારે મધા પાંચા, ભરત મધા અને દાના પાંચા રાઠોડે આવી કેમ ફુલ ગતિએ વાહન ચલાવે છે તેમ કહી આ શખ્સોએ ધારિયા તથા લાકડી વડે આ યુવાનને માર માર્યો હતો. બાદમાં તેના પિતા દુદા મેરાભાઇને પણ માર માર્યો હતો.તેવામાં ભરમી માવજી અને રામુ મધાએ આવી આ ફરિયાદીની પુત્રવધૂ કવિતા અને નાના ભાઇની પત્ની કવિતાબેનને ધોકા વડે માર માર્યો હતો અને તારા ભાઇએ અમારા કુટુંબની દીકરી સાથે પ્રેમલગ્ન કરેલા છે, જેથી તમારે આ રસ્તેથી ચાલવું નહીં, તેમ કહી આ પાંચેય શખ્સો નાસી ગયા હતા. મારામારીના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer