પાકિસ્તાનથી વાયા દુબઈ-ઈરાનથી આવતી ખજૂરના કન્ટેનરની તપાસ

ગાંધીધામ, તા. 7: નાપાક પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાનથી આયાત થતી ખજૂર ઉપર ભારત સરકારે 200 ટકા કસ્ટમ ડયુટી ઠોકી દેતાં હવે આ માલ દુબઈ-ઈરાન-ઈરાક થઈને ભારતમાં ધૂસાડાતો હોવાની બાતમીને પગલે કચ્છના કંડલા તથા મુંદરા ઉપર કસ્ટમ વિભાગ ચાંપતી નજર રાખી રહ્યો છે. વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ડાયરેકટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે બે-ત્રણ સ્થળે આવા ખજૂરના કન્ટેનરો પકડયા બાદ તે અંગે દેશભરની કચેરીઓને પત્ર લખીને સાવચેત રહેવા સૂચવ્યું હતું. પાકિસ્તાનની આ ખજૂર (સૂકી ખારેક) ભારતમાં ચેન્નાઈ, મુંબઈ, કંડલા, મુંદરા વગેરે બંદરોએ આયાત થતી હોવાનું એજન્સી માની રહી છે. ચેન્નાઈ અને મુંબઈમાંથી આવા કન્ટેનર ઝડપાયા પણ છે. જો પાકિસ્તાનથી સીધી ખજૂરની આયાત ભારતમાં કરાય તો તેના ઉપર કસ્ટમ ડયુટી 200 ટકા લાગે છે, પરંતુ આયાતકારો પૈકીના કેટલાક પાકિસ્તાનથી આ માલ દુબઈ, ઈરાન કે ઈરાક લઈ જઈ ત્યાંથી ભારત મગાવે છે. આ ખજૂર દુબઈ, ઈરાન કે ઈરાકથી આયાત થયું હોય તેવા દસ્તાવેજો ભરીને કસ્ટમમાં રજૂ કરે છે. કસ્ટમ-ડી.આર.આઈ.ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુબઈ, ઈરાન કે ઈરાકથી ખારેક મગાવાય તો તેના ઉપર કસ્ટમ ડયુટી 30થી 35 ટકા છે. એટલે 165થી 170 ટકા ડયુટી બચી જાય એ માટે આવું તરકટ ચલાવાઈ રહ્યું છે. અહીં ગાંધીધામ ડી.આર.આઈ.એ આ અંગે કંડલા તથા મુંદરા કસ્ટમને સાવચેત કરતાં છેલ્લા ત્રણેક મહિનાથી આવા કન્ટેનરો રોકીને તપાસ કરાઈ રહી છે. અલબત્ત કોઈ કન્ટેનરો જપ્ત કરીને ડયુટી વસૂલાઈ છે કે કેમ તે અંગેની વિગતો પ્રાપ્ત થઈ શકી નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer