મનીષા અને ભાઉની આજે ભચાઉ કોર્ટમાં પેશગી

ભુજ, તા. 7 : કચ્છ ભાજપના મોટા ગજાના નેતા જયંતીભાઇ ભાનુશાલીની હત્યામાં ઉત્તરપ્રદેશ ખાતેથી પકડી લવાયેલા મહત્ત્વના બે આરોપી મનીષા ગુજ્જુગિરિ ગોસ્વામી અને સુરજિત ભાઉ ઉર્ફે સુરજિત પરદેશીને આવતીકાલે ખાસ તપાસ ટુકડી કચ્છમાં ભચાઉ ખાતેની અદાલતમાં લઇ આવશે. જ્યાં આ બન્નેને રિમાન્ડની માગણી સાથે કોર્ટ સમક્ષ પેશ કરાશે. જાન્યુઆરી-2019માં ચાલુ ટ્રેને માજી ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલીની હત્યા કરાયા બાદ જેમની સામે ગુનો દાખલ કરાવાયો હતો તે આરોપીઓમાં મનીષા ગોસ્વામી અને સુરજિત ભાઉનો પણ સમાવેશ થાય છે. ખૂનની ઘટના બાદ છેલ્લા દશ મહિનાથી આ બન્ને જણ ફરાર થઇ ગયા હતા. તેમની ધરપકડ માટે કલમ 70 મુજબનું વોરન્ટ મેળવવા સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઇ હતી. આમ છતાં તેઓ હાથમાં આવ્યા ન હતા. અંતે ત્રણ દિવસ પહેલાં આ કેસ માટે રચાયેલી ખાસ તપાસ ટુકડી (સીટ) દ્વારા બાતમીના આધારે ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદ ખાતે ધસી જઇને આ બન્નેને દબોચી લેવાયા હતા.  તપાસનીશ ટુકડી સીટને સંલગ્ન સૂત્રોના જણાવ્યા મુજબ મનીષા અને ભાઉને અમદાવાદ ખાતે રેલવે પોલીસ ભવનની કચેરીએ લઇ અવાયા બાદ જરૂરી પ્રાથમિક કાયદાકીય કાર્યવાહી સંપન્ન કરી લેવાઇ છે. દરમ્યાન આવતીકાલે શુક્રવારે બન્ને આરોપીને કચ્છ લાવી ભચાઉની અદાલતમાં રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડની માગણી કરાશે. રાજ્યભરમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે ભારે ચર્ચાસ્પદ બનેલા આ ખૂનકેસમાં જેની ભૂમિકા પહેલેથી અને પાયાની રહી હોવાનું મનાઇ રહ્યું છે તેવી `ખરી ખલનાયિકા' ગણાતી આરોપી મનીષા પાસેથી હવે તપાસનીશો કેટલું કઢાવી શકે છે તેનો આધાર અનેક માથાઓનું ભાવિ ઘડે તેમ છે. મનીષા અને મરનાર જયંતીભાઇના સંબંધો, ખૂનકેસમાં સૂત્રધાર કહેવાતા માજી ધારાસભ્ય છબીલ પટેલ અને અન્ય તહોમતદારોની ભૂમિકા તથા સેક્સ સી.ડી.ઓ સહિતના પ્રકરણો પણ પાધરા થાય તેવી સંભાવના જોવાઇ રહી છે.મનીષા અને જયંતી ભાનુશાલીના સારાવાના સમયનો ઘટનાક્રમ અને તેમની વચ્ચે અંટશ ઊભી થયા બાદ સર્જાયેલી ફોજદારી કેસોની હારમાળા અને આ કેસોની માંડવાળી કરવામાં પ્રત્યક્ષ-પેરોક્ષ ભૂમિકા ભજવનારાં માથાંઓ સહિતની અનેક બાબતો કે જેનો તાગ છેલ્લા 10 મહિનામાં નથી મળ્યો તે કડીઓ યોગ્ય પૂછતાછ થકી મળે તેમ હોવાનું પણ માહિતીગારો જણાવી રહ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer