કચ્છ સીમાના વીજ પ્રોજેકટ માટે ત્વરિત ફાળવો જમીન

ભુજ, તા. 7 : કેન્દ્ર સરકારે બુધવારે ગુજરાત સરકારને આદેશ કર્યો હતો કે, કચ્છ જિલ્લામાં સોલાર અને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ માટે 60,000 હેક્ટર જમીન ફાળવવામાં ઝડપ કરવામાં આવે.  આ પ્રોજેક્ટથી જિલ્લામાં લગભગ રૂા. 1.35 લાખ કરોડનું રોકાણ આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.  કચ્છમાં વિવિધ સ્થળેથી પવન ઉર્જા સંબંધી કંપનીઓ અને ગામ લોકો-ખેડૂતો વચ્ચે સંઘર્ષ અને વિરોધના હેવાલો છેલ્લા થોડા મહિનાથી વધી ગયા છે, પરંતુ આ વચ્ચે સરકાર તેના કુદરતી ઊર્જાથી વીજ ઉત્પાદન વધારવાના લક્ષમાં મક્કમ રીતે આગળ વધવા માગતી હોય તેમ ગુજરાત સરકારને ઝડપ વધારવા સ્પષ્ટ તાકીદ કરી છે. વડાપ્રધાન મોદી ખુદ નિયમિત અંતરે આ પ્રોજેક્ટ સહિત વિવિધ રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા કરી રહ્યા છે. પ્રગતિ (પ્રો-એક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઈમ્પ્લીમેન્ટેશન) કાર્યક્રમ હેઠળ આ સુચિત સોલાર અને વિન્ડ પાર્ક પ્રોજેક્ટની પણ દર મહિને સમીક્ષા કરવામાં આવે છે, અને વડાપ્રધાન જાતે તેમાં સામેલ  થાય છે. ટોચના સરકારી સૂત્રોને ટાંકીને પ્રસિદ્ધ થયેલા હેવાલો મુજબ, મોદીએ સવાલ ઉઠાવ્યો હતો કે, આવા મહત્વના પ્રોજેક્ટમાં વિલંબ શા માટે થઈ રહ્યો છે. તેમણે ખાસ કરીને પાકિસ્તાનની સરહદ નજીકની 60,000 હેકટર જમીનની ફાળવણી પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. સૂત્રોએ ઉમેર્યું કે, ખાનગી જમીનમાં સંપાદન ખર્ચાળ અને પડકારભર્યું છે. તેના બદલે આ સૂચિત તમામ જમીન સરકારી માલિકીની છે. વડાપ્રધાને હુકમ કર્યો હતો કે, જમીન ફાળવણી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવામાં આવે અને તેનો હેવાલ સરકારમાંજ મૂકવામાં આવે. રાજ્ય સરકાર હેઠળની ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (જીઆઈપીસીએલ) એ આ પ્રોજેક્ટના અમલીકરણ માટેની નોડલ એજન્સી છે. આ પાર્કમાં લગભગ 30,000 મેગાવોટ સૂર્ય અને પવન ઊર્જાથી વીજ ઉત્પાદન થવાની અપેક્ષા છે. સૂત્રોએ ઉમેર્યું કે, કચ્છ જિલ્લામાં પુષ્કળ માત્રામાં સરકારી જમીન ઉપલબ્ધ છે, એથી અહીં, જમીન સંપાદનમાં મુશ્કેલી ન હોય એ સ્વાભાવિક છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer