નર્મદા કેનાલ, ભુજોડી બ્રિજ, સ્મૃતિવનનાં કામમાં થતો વિલંબ એ ખરેખર સરકારની નિષ્ફળતા

ભુજ, તા. 7 : કચ્છમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અવાર-નવાર મુલાકાત લે છે, જિલ્લાનું વહીવટી તંત્ર સરભરા-આગતા-સ્વાગતામાં ખડેપગે રહે છે, પરંતુ આખરે ભોગવવાનું તથા ટીકાનો ભોગ વહીવટી તંત્ર બને છે અને સરકાર પોતાની અણઆવડત તથા નિષ્ફળતા છુપાવવા માટે વહીવટી તંત્રને જવાબદાર ગણે છે તેવો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસે કર્યો હતો. મુખ્યમંત્રીએ ભુજોડી ઓવરબ્રિજના મુદ્દે જિલ્લાના વહીવટી તંત્રને કામના વિલંબ માટે જવાબદાર ઠેરવી નિવેદનો કર્યા, ખરેખર ઓવરબ્રિજના કામમાં વિલંબ અંગે કેન્દ્ર સરકાર જવાબદાર છે. અગાઉ અવાર-નવાર કામ શરૂ કરવાની જાહેરાત કરાઇ?છે. સામાન્ય બાબતથી ગુજરાતના મુખ્યમંત્રી અજાણ છે તે ખરેખર હાસ્યાસ્પદ છેતેવું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ એક યાદીમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ખેડૂતોને રાજી રાખવા નર્મદા કેનાલોનાં કામો પૂર્ણ કરવા જિલ્લાના વહીવટી તંત્ર સામે રોફ બતાવ્યો જે કામોના વિલંબ બદલ ખુદ ભાજપની રાજ્ય સરકાર જવાબદાર છે. કારણ કે સ્મૃતિવન-ભુજોડી ઓવરબ્રિજ, નર્મદા કેનાલનાં કામો બાબતે ગુજરાત સરકાર પૂરતી ગ્રાન્ટ જ ફાળવતી નથી જેથી ઝડપી કામો ક્યારે થઇ શકે ? ખરેખર મુખ્યમંત્રીએ ધ્યાન રાખવું જોઇએ કે કચ્છની પ્રજા વહીવટમાં નિપુણ છે. કામગીરીનાં લેખાં-જોખાં જાણે છે. ગુજરાતની ભાજપ સરકાર તથા કેન્દ્ર સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઇ?છે. આગામી દિવસોમાં કચ્છની જનતા ભાજપને પરાજયનો સ્વાદ ચખાડશે. ઉપરાંત મુખ્યમંત્રીની સતત ત્રીજી મુલાકાત નિષ્ફળ નીવડી છે. આ મુલાકાતોથી પ્રજાના પૈસાનો વ્યય તથા વહીવટી તંત્રને ખડેપગે રાખી રોજિંદી વહીવટ?વ્યવસ્થા ખોરવી નાખવા કરતાં મુખ્યમંત્રીએ પ્રજાકીય પ્રશ્નો હલ કરવા નક્કર કામગીરી કરવી જોઇએ એવું શ્રી જાડેજાએ જણાવ્યું હતું. નર્મદા કેનાલના કામો તેમજ ભુજિયા ડુંગરનું સ્મૃતિવન કે ભુજોડી બ્રિજના કામો ઝડપી પૂરા કરવામાં આવશે તેવું ફરી એક વખત વચન આપી કચ્છને લોલીપોપ બતાવી હોવાનો આક્ષેપ જિ.પં. વિપક્ષી નેતા વી.કે. હુંબલે એક અલગ યાદીમાં કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer