લાકડિયા અને શિવલખાને જર્જરિત માર્ગો અને અપૂરતી આરોગ્ય સેવાના કારણે ભારે હાલાકી

ભચાઉ, તા. પ : તાલુકાના લાકડિયા તથા શિવલખા ગામને આરોગ્ય, જર્જરિત માર્ગો સહિતના પ્રશ્ને હાલાકી પડી રહી છે.લાકડિયાથી આધોઈ 8 કિ.મી.નો માર્ગ છેલ્લા ચાર-પાંચ વર્ષથી જર્જરિત થઈ ગયો છે. જેમાં છેલ્લા ભારે વરસાદના કારણે આ માર્ગ સંપૂર્ણ ધોવાઈ જતાં લોકોને આધોઈ જવા માટે ખૂબ પરેશાની વેઠવી પડે છે. વાહનોમાં પંક્ચર પડવા, ધીમી ગતિએ પહોંચવું પડે છે. તો લાકડિયાથી વાયા સંધ્યાગિરિ આશ્રમ થઈને પહોંચતા મસમોટો ફેરો ખાઈને જવું પડે છે. તેવી જ રીતે ગામથી પાટણ તરફ બહાર નિકળતા માર્ગે પાપડી સાફ થઈ જતાં ખાનગી વાહનો, એસ.ટી. બસોને રેલવે ફાટકવાળા રસ્તાએથી ફેરો ખાઈને જવું પડે છે. તેમજ અનેક એસ.ટી. બસો ગામમાં ન આવતા મુસાફરોને દોઢ કિ.મી હાઈવે સુધી ચાલીને જતાં  ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. તો શિવલખા નજીકના માર્ગ પરની પાપડી અને પુલિયા ધોવાઈ જતાં ભારે પરેશાની ઉદભવી હોવાનું ભચાઉ તા. કોંગ્રેસના મંત્રી લાભશંકર રાજગોરે જણાવ્યું હતું. ગામના સરકારી દવાખાનામાં ફરજ બે તબીબોની છે. પરંતુ એક તબીબ કાયમ ખડીર કે રાપર તરફ ડેમ્યૂટેશનમાં રહેતા હાલ એક જ તબીબની સેવા લોકોને મળે છે. જે અત્યારે બીમારીના સયમાં અપૂરતી છે. તો અન્ય સ્ટાફની જગ્યાઓ પણ ખાલી પડી છે. જેની ભરપાઈ થવા વર્ષોની માંગ હોવા છતાં સંતોષાતી નથી એવું કનુભાઈ મારાજે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ખાસ કરીને નજીકમાં આવેલી સૌરાષ્ટ્ર એનવાયરો પ્રા.લિ. નામની કચરાવાળી કું.થી વાતાવરણમાં વ્યાપક પ્રદૂષણ ફેલાઈ ગયું છે. રાત્રે અતિ દુર્ગંધ આવે છે. તો આસપાસના અનેક ખેતરોમાં રહેલી ખેત તળાવડીમાં પાણી કેમિકલયુક્ત બની ગયું છે. જે ખેતી માટે બિનઉપયોગી સાબિત થઈ રહ્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer