ભુજ માટે તાકીદે વિમાની સેવાનો વ્યાપ વિસ્તારો

ભુજ, તા. 7 : કચ્છના મુખ્યમથક એવા ભુજના વિમાની મથક પરથી જેટની સેવા સંકેલાયા બાદ એકમાત્ર એર ઇન્ડિયાની સેવા પર આધાર રહ્યો છે ત્યારે અહીંના એરપોર્ટ ઉપરથી વિમાની સેવાનો વ્યાપ વિસ્તારવા માટે કચ્છ ચેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરી છે. ભુજથી મુંબઇ-અમદાવાદ-દિલ્હીની નવી વિમાની સેવાઓ શરૂ?કરવા માટે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ રજૂઆત કરી છે. અગાઉ મુંબઇ-ભુજ માટે ત્રણ ફ્લાઇટની સેવા હતી. હાલે એર ઇન્ડિયાનું નાનું એરક્રાફ્ટ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ ઓપરેટ થાય છે ત્યારે વિશ્વના પ્રવાસીઓ `રણ ઉત્સવ'ના મહેમાન બનવા આવે છે તેઓને વ્યાપક હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. કચ્છની ચોવીસીના પટેલો, કંઠીપટ્ટના જૈન મહાજનો અને અન્ય વર્ગ ધંધા-રોજગાર માટે મુંબઇ, સુરત, અમદાવાદ, હૈદરાબાદ, દુબઇ, ઓમાન, આફ્રિકા, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ વિ. દેશોમાં મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. ઉપરાંત ભૂકંપ પછી થયેલી કચ્છની સર્વાંગી કાયાપલટ અને ઉદ્યોગોના વ્યાપના કારણે ભુજથી દેશ અને વિદેશને જોડતી વિમાની સેવાઓ આમ અચાનક બંધ થઇ જવાથી માત્ર કચ્છને જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના આર્થિક વિકાસને અસર પહોંચી રહી છે. ભારતનું લગભગ 70 ટકાથી વધુ મીઠાનું કચ્છમાં ઉત્પાદન, દેશનો એકમાત્ર ટિમ્બર વ્યવસાય ઝોન, સો પાઇપ, સ્ટીલ, પ્લાયવૂડ, પેટ્રોલિયમ, એડીબલ ઓઇલ, સિમેન્ટ, બેન્ટોનાઇટ, બોક્સાઇટ, ચાઇનાક્લે, લાઇમ, જીપ્સમ વિ. ઉત્પાદનો પોર્ટનો વિકાસ સાથે જોડાયેલા મોટા પ્રમાણમાં વ્યવસાયિકોને પણ ભુજથી મુંબઇ કે વિદેશની કનેક્ટીવીટી માટે વિમાની સેવાઓના અભાવે ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ભુજ એરપોર્ટ એડવાઇઝરી કમિટીના સભ્યના નાતે પણ અભ્યાસ અને જાણકારી દ્વારા દાવો કર્યો છે કે કચ્છમાં વિમાની મુસાફરોની સંખ્યા વાર્ષિક ત્રણ લાખ જેટલા લોકોની છે, અત્યારે એક માત્ર એર ઇન્ડિયાના એ.ટી.આર. એરક્રાફ્ટથી માત્ર 50 હજાર પ્રવાસીઓ જ પ્રવાસ કરી શકે છે. તદુપરાંત કચ્છના વ્યાપાર ઉદ્યોગોમાં આવેલા વિશેષ?વિકાસને ધ્યાને રાખીને તથા કચ્છની એગ્રો પ્રોડક્ટસમાં થયેલા વિકાસને વેગ આપવા ખાસ પ્રકારની એર કાર્ગો  સર્વિસ ચાલુ કરવા રજૂઆત કરાઇ છે.ભુજને ઇન્ટરનેશનલ એરપોર્ટનો ખાસ દરજ્જો આપવા અને જરૂર પડયે એરફોર્સ બેઇઝડ એરપોર્ટ હોઇ?નાગરિક વિમાનીમથક ભુજ નજીકની વિશાળ જમીન ખાસ કિસ્સામાં સરકાર ફાળવે અને કચ્છીઓનું વરસો જૂનું સપનું સાકાર થાય એવી રજૂઆત કરાઇ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer