અંજાર જેસલ-તોરલ સમાધિને યાત્રાધામ તરીકે વિકાસાવવા તંત્રે તૈયારી આરંભી

અંજાર, તા. 7 : ઐતિહાસિક અંજાર શહેરમાં આવેલી જેસલ-તોરલ સમાધિનો યાત્રાધામ સ્થળ  તરીકે વિકાસ કરવા માટે વહીવટી તંત્રે મોટા ભાગની  કામગીરી આટોપી લીધી છે. આ માટે  અંદાજિત રૂા. 2.75 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.આગામી દિવસોમાં કામ કરનાર એજન્સી  નક્કી થયા  બાદ  કામનો ધમધમાટ શરૂ થશે તેવી વિગતો સપાટી ઉપર આવી હતી. વિશ્વવિખ્યાત જેસલ-તોરલ સમાધિના વિકાસ અર્થે રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના  પ્રયત્નો થકી અંદાજિત રૂા. 2.75 લાખની   રકમ ફાળવવામાં આવી  છે. અત્રે આવતા પ્રવાસીઓની  સુવિધામાં વધારો કરવા માટે તમામ પ્રકારની તૈયારી સાથે આયોજનબદ્ધ વિકાસ કરવા   તખતો ઘડવામાં આવ્યો છે. અંજાર શહેરની  ઓળખ સમા આ સ્થળે  પ્રવાસીઓ  માટે આરામગૃહ, શોપિંગ સેન્ટર, પાર્કિંગ ઝોન બનાવવામાં આવશે. વધુમાં યાત્રિકોને ઉપયોગી માહિતી અને સવલત આપવાના હેતસુર નગરપાલિકા, આરોગ્ય વિભાગના હેલ્પ સેન્ટર   કાર્યરત કરવાનો મુદ્દો વિચારાધીન  હોવાનું જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું. અંજાર નાયબ કલેક્ટર ડો. વી.કે. જોષીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, જેસલ-તોરલ સમાધિના વિકાસ માટે અંદાજિત રૂા. 2.75 કરોડની ગ્રાન્ટ આવી છે. આગામી દિવસોમાં ઉચ્ચકક્ષાએથી કામ કરનારી એજન્સી  નિર્ધારિત કરાયા પછી    વિકાસકાર્ય શરૂ થશે તેવું તેમણે ઉમેર્યું હતું. નોંધપાત્ર છે કે આ વિસ્તારમાં બિન્ધાસ્ત રીતે દિન-પ્રતિદિન દબાણો થઈ રહ્યાં છે. આ દૂષણને અંકુશમાં લાવવા  માટે તંત્ર સતત ઝુંબેશ ચલાવે તેવી માંગ ઊઠી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer