મહાબંદરગાહોના વર્ગ-1 અને 2ના અધિકારીઓની વેતન સુધારણા જલ્દી

ગાંધીધામ, તા. 7 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના 150 સહિત દેશના 11 મહાબંદરગાહોના વર્ગ- અને 2ના આશરે 3000 અધિકારીઓને વેતન સુધારાનો લાભ આપવા અંગે ચેન્નાઈ હાઈકોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. દીનદયાળ પોર્ટ ઓફિસર્સ એસોસિએશન અને ઓલ ઈન્ડિયા મેજર પોર્ટ્સ અને ડોકસ ઓફિસર્સ ફેડરેશન દ્વારા  મહાબંદરગાહોના  વર્ગ-1 અને 2ના વેતન સુધારા  સંદર્ભે  શિપિંગ મંત્રાલય પાસે વખતોવખત માંગ કરાઈ છે. વર્ગ-1 અને 2ના  અધિકારીઓ  છેલ્લા 13 વર્ષથી વેતન સુધારાની  રાહ  જોઈ રહ્યા છે. જેની સામે વર્ગ 3 અને 4ના કર્મચારીઓને બે વખત વેતન સુધારાનો લાભ  મળી ચૂકયો છે. ડીપીટી ઓફિસર્સ એસો.ના  મહામંત્રી રવિ મહેશ્વરીએ  એક યાદીમાં જણાવ્યું હતું કે, ચેન્નાઈ હાઈકોર્ટમાં વેતન સુધારા અંગે થયેલી અરજીને કારણે આ કામગીરી અટવાઈ હતી, પરંતુ  તા. 31/10ના હાઈકોર્ટે   6 અઠવાડિયામાં મહાબંદરગાહોના વર્ગ-1 અને 2ના અધિકારીઓને તા.1/1/2017થી વેતન સુધારાનો લાભ આપવા અંગે વચગાળાનો આદેશ કર્યો હતો. જેથી અધિકારીઓમાં ખુશીની લહેર પ્રસરી છે. શિપિંગ મંત્રાલય દ્વારા હાઈકોર્ટના આ આદેશનું  તાત્કાલિક પાલન કરવા માટે સ્થાનિક એસોસિએશન અને રાષ્ટ્રીય ફેડરેશન પ્રયત્નશીલ હોવાનું યાદીમાં ઉમેરવામાં આવ્યું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer