વાવઝોડાં વસાહતમાં રસ્તો ન બનાવાતાં હાલાકી

ગાંધીધામ, તા. 7 : 1998ના કંડલામાં ફૂંકાયેલા વાવાઝોડાંના અસરગ્રસ્તોની વસાહતમાં રોડની સુવિધાના અભાવે લોકોને પડતી હાલાકી અંગે મામૈ ભાવના મહેશ્વરી મંડળ દ્વારા સુધરાઈના મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. મુખ્ય અધિકારીને પાઠવાયેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે રોટરી નગર વોર્ડ 14 ખાતે દીનદયાલ પોર્ટ તરફથી વસાહત ઊભી કરવામાં આવી છે અને આ વિસ્તારમાં રોડ, લાઈટ અને પાણીની સુવિધા નગરપાલિકા દ્વારા આપવામાં આવે છે.આ વિસ્તારમાં 500 વાળી લાઈનમાં રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ 1200 મકાનો વાળી લાઈનમાં રોડ બનાવાયો જ નથી. રોડ ન હોવાના કારણે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જવાથી  અનેક મુશ્કેલીઓ સર્જાય  છે. વળી ખાડાઓના કારણે અકસ્માતની દહેશત સતાવી રહી છે. આ વિસ્તારમાં શ્રમિક વર્ગના લોકો વસવાટ કરી રહ્યા છે. અન્ય વિસ્તારોમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓમાં રોડ બનાવાતા હોવાનો આક્ષેપ પત્રમાં કરાયો છે. ત્યારે કાયદેસરના વિસ્તારમાં આ સુવિધા કેમ નહીં, તેવો સવાલ મંડળના પ્રમુખ રતનશી ફકીરા બલિયાએ કર્યો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer