ભુજમાં દુલેરાય કારાણી સમગ્ર સાહિત્ય સેમિનાર સાથે ડાયરો

ભુજ, તા. 7 : કચ્છના સાહિત્યકાર દુલેરાય કારાણીના સમગ્ર સાહિત્ય પર એક વિશિષ્ટ સેમિનાર સંગીતમય ડાયરાની પ્રસ્તુતિ સાથે ભુજમાં ગુજરાતના લોકસાહિત્યવિદ્ જોરાવરસિંહ જાદવની ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં કારાણી રચિત વિવિધ સાહિત્ય પ્રકારો પર વકતવ્યો રજૂ કરાશે. વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટ-માંડવીના વિવેકગ્રામ પ્રકાશન રજત જયંતી વર્ષ નિમિત્તે તા. 24 નવેમ્બરે રોટરી હોલ, ભુજમાં યોજાનારા આ કાર્યક્રમને સવારે 10 કલાકે પ્રવીણભાઇ?વીરા દ્વારા ખુલ્લો મુકાયા બાદ પ્રથમ સત્રમાં મદનકુમાર અંજારિયા `ખ્વાબ'ના અધ્યક્ષસ્થાને ગૌતમ જોશી કારાણીનું જીવન દર્શન રજૂ કરશે, તો સંજય ઠાકર દ્વારા કારાણીની નવલકથાઓ અને ડો. કાંતિ ગોર દ્વારા નાટકો તથા પ્રકીર્ણ સાહિત્યના વકતવ્યો રજૂ થશે. બપોર પછીના બીજા સત્રમાં ડો. દર્શનાબેન ધોળકિયાની અધ્યક્ષતામાં ડો. રમજાન હસણિયા કારાણીના ગુજરાતી અને હિન્દી કાવ્યો તથા રવિ પેથાણી `િતમિર' કચ્છી કાવ્યોનો આસ્વાદ કરાવશે. હરેશ ધોળકિયા અને લાલજી મેવાડા કારાણીનું લોકાસાહિત્ય પ્રસ્તુત કરશે. સેમિનારનું સંકલન ડો. કાંતિ ગોર સંભાળી રહ્યા છે. સેમિનારમાં પ્રસ્તુત થનારા તમામ વકતવ્યો સહિત અન્ય કેટલાક લેખોનો સમાવેશ કરતા `દુલેરાય કારાણી આચમન વિશેષાંક'નું વિમોચન સાંજે 4.30 કલાકે જોરાવરસિંહ જાદવના અધ્યક્ષસ્થાને યોજાશે જેમાં કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડના હસ્તે અંક વિમોચિત થશે. પૂર્વ સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી અને પ્રવીણભાઇ વીરા ઉપસ્થિત રહેશે. સંચાલન ભારતીબેન ગોર કરશે. સાંજે 6.15 કલાકે દુલેરાય કારાણી સાહિત્ય આધારિત સંગીતમય ડાયરો `ચઇ ચઇ કિતરો ચે કારાણી'ની પ્રસ્તુતિ જાણીતા લોકકલાકાર લાલ રાંભિયા અને સાથી કલાકારો દ્વારા થશે, જેનો  આરંભ પૂર્વ નાણામંત્રી બાબુભાઇ મેઘજી શાહ કરાવશે. આ આયોજનમાં શેમારૂ એન્ટરટેઇન્મેન્ટ લિ.-મુંબઇ, શ્રી સદ્ભાવ એજ્યુકેશન ટ્રસ્ટ-ભચાઉ અને પ્રવીણ  વીરા એન્ડ કું.-મુંબઇ સહયોગી બની રહ્યા છે. રસ ધરાવનારા વધુ માહિતી માટે સંયોજક ગોરધન પટેલ `કવિ'નો મો.નં. 98252 43355નો સંપર્ક કરી શકશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer